બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરૂ થવામાં હવે ત્રણ દિવસ બાકી છે. પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી પિચની તસવીર પણ સામે આવી છે. હવે પર્થની આ ડરામણી પિચ પર બેટ્સમેનોની અગ્નિપરિક્ષા થશે. પિચ એટલી હરિયાળી દેખાતી હતી કે તેને આઉટફિલ્ડથી અલગ કરવી મુશ્કેલ કામ હતું. આ લીલી પિચ જોઈને ભારતીય બેટ્સમેનોનું ટેન્શન થોડું વધી ગયું હશે. મીડિયા રિપોર્ટ અનુસાર, પિચ ઘાસથી ઢંકાયેલી હતી, આ સિવાય પિચ ઝડપથી સુકાઈ ન જાય તે માટે પાણી પણ આપવામાં આવી રહ્યું છે.
પિચ પર વધુ બાઉન્સ મળશે
બોલરોને હવે ઓપ્ટસ સ્ટેડિયમની પિચ પર પેસ અને સીમ મૂવમેન્ટ સાથે વધુ બાઉન્સ મળશે. જેના કારણે બેટ્સમેનો માટે કામ આસાન નથી રહ્યું. 80 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારત પર્થમાં ટેસ્ટ મેચથી ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ તેની વ્યૂહરચના બદલી
છેલ્લા બે વખતથી ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. જે બાદ ઓસ્ટ્રેલિયા હવે પોતાની રણનીતિમાં બદલાવ જોઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ તેની ડ્રોપ-ઇન પીચો પર મોટા પ્રમાણમાં ઘાસ છોડવાનું શરૂ કર્યું છે, જે તેને ઝડપી બોલરો માટે વધુ અનુકૂળ બનાવે છે. હવે યશસ્વી જયસ્વાલ, ઉસ્માન ખ્વાજા, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેનો માટે સ્થિતિ ઘણી મુશ્કેલ બની રહી છે.
ઝડપી બોલરો માટે સારા સમાચાર
પર્થની પિચ જાહેર થયા બાદ ઝડપી બોલરો માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાએ ઝડપી બોલરો માટે યોગ્ય પિચ તૈયાર કરી છે. જેના પર જસપ્રિત બુમરાહ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ જેવા ફાસ્ટ બોલર ઘાતક સાબિત થઈ શકે છે.