ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયા પર્થમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. હવે રોહિત શર્માને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રોહિત તાજેતરમાં બીજી વખત પિતા બન્યો છે. તેના વિશે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ ચૂકી શકે છે. પરંતુ હવે એ વાત કન્ફર્મ થઈ રહી છે કે રોહિત શર્મા પહેલી મેચ નહીં રમે. જે બાદ આ ખેલાડી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહ હશે કેપ્ટન
એક અહેવાલ મુજબ, રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જશે, BCCIએ આ અંગેની માહિતી આપી છે. તે બીજી ટેસ્ટ મેચથી રમશે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ રોહિત વિશે કહ્યું છે કે તેની ટીમને વધુ જરૂર છે અને તે સિરીઝની તમામ મેચોમાં હોવો જોઈએ. પરંતુ હવે રોહિત પ્રથમ મેચ ચૂકી જવાનો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હોવાથી આ ખેલાડી હવે પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.
રોહિતે BCCIને માહિતી આપી
રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જણાવ્યું છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેના બીજા બાળકના જન્મ બાદ તેને તેની પત્ની સાથે વધુ સમય વિતાવવાની જરૂર છે જ્યારે 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી બીજી મેચમાં રોહિત દેખાશે.
આ સિવાય પસંદગીકારોએ ભારત A ટીમ સાથે પ્રવાસ પર ગયેલા દેવદત્ત પડિકલને રોહિતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં જ રહેવા માટે કહ્યું છે. પર્થના ઓપસ સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ માટે રોહિતના સ્થાને પડિકલને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવશે.