હાઈકોર્ટની સુચના બાદ દબાણો દૂર કરવાની કામગીરી યથાવત્
ભુજ તેમજ માંડવી રોડ સહિત ત્રણ જગ્યાએ કરાયેલી દબાણ હટાવની કામગીરી સામે મુસ્લિમ સમાજને નારાજગી દર્શાવી
ભુજ: ભુજ શહેર તેમજ આસપાસ વિસ્તારમાં આજે વહેલી પરોઢે પ્રસાસન તંત્ર દ્વારા ધાર્મિક સ્થળ પરના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. પાણીના વહેણ પરના ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા. આજે ભુજ- માંડવીના માર્ગની બાજુમાં થયેલા દબાણો તેમજ લોટસ કોલોની રીંગ રોડ ખાતે ન્યુ લોટસ અને વાલ્મીકીનગર વચ્ચેના ધાર્મિકરૂપ આપીને જાહેર માર્ગ ઉપરનું દબાણ ઉપરાંત ખારી નદી પાસેના દબાણો દૂર કરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરી દેવાઈ હતી. આજે બે દરગાહ સહિત ત્રણ જેટલા દબાણ દૂર કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર, મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ, નદીનાળા અને રેલવે લાઈનો આસપાસના દબાણ હોવાથી બુલડોઝરથી દૂર કરાયા હતા. તંત્ર દ્વારા આદરાયેલી કાર્યવાહીમાં દબાણ કરનારા અડચણરૂપ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રખાયો હતો.
ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલનો મોબાઈલ પર સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, હાઈકોર્ટની સૂચનાથી દબાણો દૂર કરવાના આયોજન ચાલુ જ છે. કચ્છમાં ત્રણ જગ્યાએ દબાણો દૂર કરાયા છે. ભુજમાં લોટસ કોલોની બાજુ કોમર્શિયલ અને ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. ખારી નદી વિસ્તાર નગરપાલિકા હસ્તક નથી.
બીજીતરફ, એકમાત્ર મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી અને દરગાહની બાઉન્ડ્રી તેમજ ઉપરના છાપરા ઓ સહિતના દબાણ હટાવવાની કામગીરી એક તરફી હોવાના આક્ષેપ કરાયા હતા. ધાર્મિક દબાણ દૂર કરતી વેળાએ સમાજના આગેવાનોને વિશ્વાસમાં લેવા માંગ ઉઠી હતી.