મણિપુરમાં NDAની સહયોગી પાર્ટી NPPએ બિરેન સિંહ સરકારને આપેલું સમર્થન પરત ખેંચવાની જાહેરાત કરી છે. NPPએ આ સંબંધમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર મોકલ્યો છે. NPP પાસે 7 ધારાસભ્યો છે. NPPનું સમર્થન પરત ખેંચી લેવાથી બીરેન સિંહ સરકાર માટે કોઈ જોખમ નથી પણ રાજ્યની હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે NPPનું સમર્થન પરત ખેંચવું એ એક મોટું પગલું છે.
ભાજપને શું થશે અસર?
મણિપુર વિધાનસભાની રચનાની વાત કરીએ તો રાજ્યમાં વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યા 60 છે. એનડીએના કુલ ધારાસભ્યોની સંખ્યા 53 છે. આમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 37 છે, જ્યારે NPF પાસે 5 ધારાસભ્યો, JUમાંથી એક અને 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. એનપીપીના 7 ધારાસભ્ય પણ એનડીએને સમર્થન આપી રહ્યા હતા, પરંતુ તેમણે નડ્ડાને પત્ર લખીને સમર્થન પરત ખેંચવાની જાહેરાત કરી છે. બીજી તરફ વિરોધ પક્ષોમાં કોંગ્રેસ પાસે 5 અને કેપીએ પાસે 2 ધારાસભ્ય છે.
NPPએએ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને લખ્યો પત્ર
NPPએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ રહી છે અને ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને રાજ્યના લોકો ભારે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે અમારું માનવું છે કે બિરેન સિંહની આગેવાની હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને ફરીથી સ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ પીપલ્સ પાર્ટીએ તાત્કાલિક અસરથી મણિપુર રાજ્યમાં બિરેન સિંહ સરકારને આપેલું પોતાનું સમર્થન પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
અમિત શાહે આપ્યા આ નિર્દેશ
તમને જણાવી દઈએ કે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજધાની દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી છે અને મણિપુરમાં સુરક્ષાની તમામ સ્થિતિની સમીક્ષા કરી અને ત્યાંની સ્થિતિ વિશે તમામ માહિતી મેળવી છે, આ સાથે જ અધિકારીઓને શાંતિ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સોમવારે આ મુદ્દે વિગતવાર બેઠક કરશે અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરશે.