વડોદરા, તા.11 ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં મહી તેમજ નર્મદા નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડા પાડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઇરાત્રે કરજણ તાલુકાના નારેશ્વર પાસેના ફતેપુર નજીકથી પસાર થતી નર્મદા નદીની લીઝો પર દરોડા પાડીને અઢી કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નદીમાં માઇનિંગ પર પ્રતિબંધ હોવા છતાં અનેક લીઝધારકો દ્વારા રાત્રે પણ બેફામ રેતીખનન ચાલતું હોય છે. આ ખનન અટકાવવા માટે ગઇરાત્રે ખાણ ખનીજની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નારેશ્વર નજીક ફતેપુર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં રાત્રે પણ મોટાપાયે ખનન થાય છે તેવી માહિતીના આધારે દરોડો પાડતાં રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી.