આવકવેરા વિભાગે એડવાઇઝરી જાહેર કરી
આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે આઇટીઆરમાં વિદેશમાં સ્થિત સંપત્તિ અથવા વિદેશોમાં પ્રાપ્ત કરેલી આવકોનો ખુલાસો ન કરવા પર કાળા નાણાં વિરોધી કાયદા હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. વિભાગે તાજેતરમાં શરૂ કરેલા કમ્પાયલન્સ કમ અવેરનેસ અભિયાન હેઠળ એક પબ્લિક એડવાઇઝરી જારી કરી હતી જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કરદાતા આકારણી વર્ષ ૨૦૨૪-૨૫ માટે આવકવેરા રિટર્નમાં આવી માહિતી આપે.
આવા કરદાતાઓએ પોતાના આઇટીઆરમાં ફોરેન એસેટ કે ફોરેન સોર્સ ઇન્કમ શિડયુલ ફરજિયાતપણે ભરવાનું રહેશે
એડવાઇઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગયા વર્ષમાં ભારતના કર નિવાસી માટે વિદેશી પરિસંપત્તિમાં બેંક ખાતા, કેશ વેલ્યુ ઇન્સ્યુરન્સ કોન્ટ્રાક્ટ કે એન્યુઇટી કોન્ટ્રાક્ટ, કોઇ એકમ કે વ્યવસાયમાં નાણાકીય સંપત્તિ, સ્થિર સંપત્તિ, કસ્ટોડિયલ એકાઉન્ટ, ઇક્વિટી અને ડેબ્ટ વ્યાજ, ટ્રસ્ટ જેમાં વ્યકિત ટ્રસ્ટી છે, સેટલરનો લાભાર્થી, હસ્તાક્ષાર પ્રાધિકારીવાળા ખાતા, વિદેશમાં રાખવામાં આવેલી કેપિટલ એસેટ ધરાવતા લોકોને આઇટીઆરમાં આ અંગેની માહિતી આપવી પડશે.
વિભાગે જણાવ્યું છે કે આ માપદંડ હેઠળ આવતા કરદાતાઓએ પોતાના આઇટીઆરમાં ફોરેન એસેટ (એફએ) અથવા ફોરેન સોર્સ ઇન્કમ (એફએસઆઇ) શિડયુલને ફરજિયાતપણે ભરવાનું રહેશે.