રંગો અને આનંદ ઉત્સાહનો તહેવાર એટલે હોળી. આ વખતે હોળી 14 માર્ચે દેશભરમાં ઉજવવામાં આવશે. હોળી રંગોનો તહેવાર છે. પરંતુ તે ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, હોળી રમતી વખતે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો તમને જણાવીએ કે તમે સુરક્ષિત અને સ્વસ્થ હોળી કેવી રીતે રમી શકો છો…
સ્કિનની કેવી રીતે કાળજી રાખવી
જો તમે દિવસ દરમિયાન બહાર હોળી રમી રહ્યા હોવ તો સનસ્ક્રીન ચોક્કસ લગાવો. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્નથી બચાવશે, ખાસ કરીને જો તમે લાંબા સમય સુધી તડકામાં રહેવાના છો.
હોળી રમતા પહેલા તમારા ચહેરા, હાથ, પગ અને ગરદન પર નારિયેળ, સરસવ અથવા ઓલિવ તેલનો લગાવો. પરિણામે રંગોને ત્વચામાં ખૂબ ઊંડે સુધી પ્રવેશતા અટકાવશે અને તેમજ રંગોને સરળતાથી દૂર કરી શકાશે.
સ્કિન પરથી કલર દૂર કરવા માટે હાર્ડ સાબુનો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે ચણાના લોટમાં દહીં અને હળદરની પેસ્ટ લગાવો. આ તમારી ત્વચાને નરમ રાખશે અને બળતરા અટકાવશે.
વાળની કેવી રીતે કાળજી રાખવી
તમારા વાળને રંગોથી બચાવવા માટેપહેલા તેલ લગાવો. આનાથી રંગ તમારા વાળમાં ચોંટતો અટકશે અને તેને ધોવાનું સરળ બનશે. જો શક્ય હોય તો, તમારા વાળને એવી રીતે બાંધી રાખો કે રંગ શક્ય તેટલો ઓછો વાળ પર લાગે.
આંખોની કેવી રીતે કાળજી રાખવી
જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો હોળી પર તેનો ઉપયોગ કરવાનું ટાળો. પાણી અને રંગના કણો લેન્સમાં ફસાઈ શકે છે, જેના કારણે બળતરા અને આંખમાં ચેપ લાગી શકે છે. આથી હોળી રમતી વખતે ચશ્મા પહેરવા વધુ સુરક્ષિત છે.
તમારી આંખો અને હોઠને રંગોથી બચાવવા માટે થોડી પેટ્રોલિયમ જેલી અથવા કોલ્ડ ક્રીમ લગાવો. આનાથી કલર આવા સંવેદનશીલ પાર્ટમાં ચોંટશે નહી. વળી કલર લાગી પણ જાય તો તેને દૂર સરળતાથી કરી શકાશે.
આ હેલ્થ ટિપ્સ કરો ફોલો
હોળી રમતી વખતે હાઇડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી પીવો. દિવસભર તમારા એનર્જી સ્તરને જાળવી રાખવા માટે ઠંડાઈ, નાળિયેર પાણી અને તાજા રસ પીવો.
ઉપર આપેલી આ સરળ ટિપ્સની મદદથી, તમે હોળીને વધુ સારી રીતે ઉજવી શકો છો. તે પણ કોઈ ચિંતા વગર.
(Disclaimer- લેખમાં આપેલી માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. તેને અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાંતની સલાહ લો. સંદેશ ડિઝીટલ આવા કોઈપણ દાવાની પુષ્ટિ કરતું નથી.)