ઈઝરાયલના ફાઇટર જેટ્સે ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024ના રોજ લેબનોનના બેરૂત શહેરમાં હવાઈ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહના મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાહના ડ્રોન યુનિટના ચીફ મોહમ્મદ હુસૈન સરૂર જ્યાં છુપાયો હતો તે બિલ્ડિંગ પર ઈઝરાયલના ફાઇટર જેટ્સે એક સાથે ત્રણ મિસાઇલો છોડી હતી.
બેરૂતના દક્ષિણ વિસ્તારમાં એક બિલ્ડિંગ પર કરાયો હુમલો
ઈઝરાયલની આર્મી રેડિયો અનુસાર હુમલો એ જ ફ્લોર પર થયો જ્યાં સરૂર હાજર હતો. એટલે કે મિસાઈલ ત્યાં પડી. સરૂર બેરૂતના દક્ષિણ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં છુપાયેલો હતો. તે લેબનીઝ આતંકવાદી સંગઠનનો મજબૂત ગઢ માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં હિઝબુલ્લાહના વધુ ચાર લડવૈયાના મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે.
ડ્રોન એટેક યુનિટ અને મિસાઈલ યુનિટ
ફાઈટર જેટ્સે ત્રણ મિસાઈલ વડે આ ઈમારતને નિશાન બનાવી હતી. સરૂરે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલના વિસ્તારમાં અનેક ડ્રોન હુમલા કર્યા હતા. તે ડ્રોન પ્રોજેક્ટનો લીડર હતો. તેણે ઘણી ડ્રોન પ્રોડક્શન સાઇટ્સ ખોલી હતી. તેણે રહેણાંક વિસ્તારોની વચ્ચે આ જગ્યાઓ બનાવી હતી.
હૂતી વિદ્રોહિઓ સાથે સંકલન
સરૂર 1980માં હિઝબુલ્લામાં જોડાયો હતો. આતંકવાદી સંગઠનમાં અનેક પદ સંભાળ્યા બાદ તેને અઝીઝ યુનિટનો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. તેઓ રાડવાન ફોર્સના સરફેસ ટુ એર મિસાઈલ યુનિટના ઈન્ચાર્જ પણ હતા. આ સિવાય સરૂરને યમનના હૂતી વિદ્રોહીઓ સાથે સંકલન કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
આયર્ન સ્વોર્ડ વોર દરમિયાન મળ્યા ઘણા પ્રમોશન
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે પોતાના એક્સ હેન્ડલમાં લખ્યું છે કે, આયર્ન સ્વોર્ડ્સ વોર દરમિયાન સરૂરે અનેક ડ્રોન હુમલા કર્યા હતા. જ્યાર બાદ તેને પ્રમોશન પણ મળ્યું હતું. તે નવા પ્રકારના હુમલાઓ કરતો હતો. તેમાં ડ્રોન હતા. તેમને એકત્રિત કરવા માટે તેનું મુખ્ય કાર્ય ઈઝરાયલના વિસ્તારો અને સૈનિકોને નિશાન બનાવવાનું હતું.
ઈઝરાયલના રક્ષા મંત્રીએ સેનાને કહ્યું કે, હુમલા કરતા રહો
ઈઝરાયલના રક્ષા મંત્રી યોઆવ ગૈલેન્ટે સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હાલેવીને હિઝબુલ્લાહ સામે હુમલા ચાલુ રાખવા જણાવ્યું છે. તેમને કોઈપણ પ્રકારની તક ન મળવી જોઈએ. હિઝબુલ્લાહની સ્થિતિને સંપૂર્ણ રીતે ખતમ કરો. આ સમયે ઓપરેશન્સ ડાયરેક્ટોરેટ મેજર જનરલ ઓડેડ બાસક અને ઈન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ શ્લોમી બાઈન્ડર પણ હાજર હતા.