– કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન બાદ પરત ફરતાં યાત્રાળુંઓની બસ માલેશ્રીના કોઝ-વે પર ફસાઈ હતીઃ સાંજે 7 કલાકથી શરૂ થયેલું રેસ્ક્યૂં મધ્યરાત્રિના 3 કલાકે પૂર્ણ થયું
– બસમાં સવાર યાત્રાળુંઓને બહાર કાઢવા સ્થાનિક ગ્રામજનો તથા ફાયર જવાનો સહિત 8 સભ્યોની રેસ્ક્યૂં ટીમ પાણીના ધસમસમતાં પ્રવાહમાં જીવનો જોખમે ટ્રક લઈ પહોંચી હતીઃ બસમાંથી યાત્રાળુંઓને શિફ્ટ કર્યા બાદ ટ્રક પણ કોઝ-વેમાં ફસાતાં તમામના જીવ પડીકે બંધાયા હતા
ભાવનગર : કોળિયાક પાસેના માલેશ્રી નદીના કોઝ-વે પર પાણીના ધસમસતાં પ્રવાહમાં ફસાયેલી બસમાંથી તામિલનાડુંના દર્શનાર્થીઓ સહિત ૨૯ યાત્રાળુંઓનાં દિલધડક મેગા રેસ્કયૂં ઓપરેશનમાં વારંવાર આવેલાં અણધાર્યા વળાંકો બાદ તંત્ર અને સ્થાનિકોની સતત કલાકની મહેનતનો સુખદ અંત અંત આવ્યો હતો.વ્હેલી સવારે ૩ કલાકના ટકોરે સ્થાનિક રેસ્ક્યૂં ટીમ દ્વારા તમામને હેમખેમ પાણીમાંથી બહાર લાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સાઉથની ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવા બનાવની હકિકિત એવી છે કે, ભાવનગર જિલ્લાના પૌરાણિક દેવસ્થાન એવાં કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવ મંદિરેથી દર્શન કરી ભાવનગર પરત ફરી રહેલી દક્ષિણ ભારતના તામિલનાડુંના ૨૭ દર્શનાર્થીઓ અને એક ડ્રાઈવર-કલીનર સહિત ૨૯ યાત્રાળુંઓ ભરેલી ખાનગી બસ સાંજના ૬.૩૦ કલાક આસપાસ માલેશ્રી નદી પર આવેલાં કોઝ-વે પરથી પૂર ઝડપે વ્હેતાં ધસમસતાં પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. જેના કારણે અર્ધી બસ પાણીમાં ગરકાવ થઈ જતાં બસમાં સવાર તમામ યાત્રાળુંઓના જીવ પડીકે બંધાયા હતા.જયારે,આ બનાવની જાણ થતાં જ કોળિયાક અને હાથબ ગામના સ્થાનિક ગ્રામજનો, ભાવનગર ફાયર બ્રિગેડ કાફલાં સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં કોળિયાકમાં રહેતાં ટ્રકમાલિકે ફાયર જવાનો અને સ્થાનિક તરવૈયાઓની ટીમ સાથે પાણીના ધમસમતાં પ્રવાહ વચ્ચે ટ્રક પાણીમાં ઉતારી પાણીમાં ગરકાવ બસ સુધી પહોંચાડયો હતો. જયાં સ્થાનિકો અને ફાયર ટીમે બસના કાચ તોડી તેમાંથી તમામ યાત્રાળુંઓને હેમખેમ બહાર કાઢતાં તમામ યાત્રાળુંઓના જીવમાં જીવ આવ્યો હતો. જો કે, રેસ્કયૂંના ગણતરીના સમયમાં જ ટ્રક પણ પાણીના પ્રવાહમાં ફસાઈ નમી જતાં ટ્રકમાં સવાર ૨૯ યાત્રાળુંઓ તથા તેમને બચાવવા આવેલાં રેસ્કયૂં ટીમના ૮ સભ્યો મળી તમામ ૩૭ લોકો ટ્રકમાં જ ફસાયા હતા.બીજી તરફ, પાણીનો પ્રવાહ સતત વધવાના કારણે ટ્રકમાં સવાર તમામના જીવ ફરી તાળવે ચોંટયા હતા.
આ પણ અધુરૂં હોય તેમ આ જ ટ્રકમાલિકે પાણીના પ્રવાહમાં ફસાયેલાં ટ્રકમાં સવાર ૩૭ લોકોનું રેસ્ક્યૂં કરવા રેતી ભરેલો હેવી ટ્રેલર ટ્રક પાણીના ધસમસતાં પ્રવાહમાં ઉતાર્યો હતો. જો કે, સતત બે વખત પ્રયત્ન કરવા છતાં તે પાણીમાં ઉતરી શક્યો ન હતો અને એક ટ્કરમાંથી બીજા ટ્રકમાં યાત્રાળુંઓ સહિતના ૩૭ લોકોને શિફ્ટ કરવાની યોજના સફળ નિવડી ન હતી. આખરે પાણીનો પ્રવાહ ઘટે ત્યાં સુધી રેસ્કયૂં કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જયારે, બનાવની ગંભીરતાને લઈ એનડીઆએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સાંજના ૭ કલાકથી શરૂ થયેલાં આ દિલઘડક રેસ્કયૂંના અંદાજે આઠ કલાક બાદ વ્હેલી સવારે ૩ કલાકે પાણીનો પ્રવાહ ઓછો થતાં કોઝ-વેમાં ફસાયેલાં ટ્રકમાંથી રેતી ભરેલાં ટ્રકમાં તમામ ૩૭ લોકોને હેમખેમ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને કિનારે લાવી પોલીસના વાહન મારફતે ભાવનગર સ્થિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સતત આઠ કલાક ચાલેલાં આ દિલધડક ઓપરેશનમાં તમામનો બચાવ થવાની સાથે કોઈપણ પ્રકારની માલહાનિ કે જાનહાનિ ન થતાં યાત્રાળુંઓના જીવમાં જીવ આવ્યો હતો. અને તમામે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, સતત આઠ કલાક ખડેપગે રહેલાં તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ ઓપરેશન રેસ્કયૂં સફળ જતાં રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ સલામત સ્થળે રહેલાં યાત્રાળુઓએ તામિલનાડું પરત જવા માટેની અમદાવાદથી રિટર્ન ટિકિટ અગાઉથી જ કરાવી લીધી હતી. જે ટિકિટ બે દિવસ પછીની હોવાથી તે અહીંથી રવાના થશે. તેમ જાણવા મળ્યું છે.