ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમમાં મુકાયું હોય તેવુ લાગી રહ્યું છે. સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળ અને લોટમાં જીવાતો જોવા મળી રહી છે. અગાઉ પણ વારંવાર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં નબળી ગુણવત્તા સામે આવી છે.
અનેક રજૂઆત બાદ પણ ભોજનમાં નબળી ગુણવત્તા
તમને જણાવી દઈએ કે ભાવનગરની સમરસ બોયસ હોસ્ટેલમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. વિદ્યાર્થીઓ માટેના ભોજનમાં અવારનવાર ફરિયાદો આવતી હોય છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે પણ ભોજનમાં નબળી ગુણવત્તા સામે આવતી હોય છે, ત્યારે એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ માત્ર નોટિસ આપીને સંતોષ માની લેતા હોય છે અને આખરે વેઠવાનું વિદ્યાર્થીઓને જ આવતું હોય છે. ત્યારે યોગ્ય કાર્યવાહી ના અભાવને લઈ જવાબદાર અધિકારીઓ પણ આવી બેદરકારી સાખી લેતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
સરકારની માત્ર મોટી મોટી વાતો
બીજી તરફ સરકાર એક તરફ શિક્ષણ માટે મોટી મોટી વાતો કરે છે. શિક્ષણ પાછળ મસમોટો ખર્ચ પણ કરવામાં આવે છે. સરકારી સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો પણ કરે છે, પરંતુ વાસ્તવિકતા જોવા જઈએ તો શહેર અને જિલ્લાની અનેક શાળાઓ એવી છે કે જ્યાં શાળાના બિલ્ડીંગોમાં ઓરડાની ઘટ છે અને તેના કારણે બાળકોને ડબલ શિફ્ટમાં અભ્યાસ કરવા માટે જવું પડે છે.