આજે ધનતેરસનો પાવન અવસર છે. આ દિવસે ધનલક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ત્યારે તમને આજે જણાવીએ પેપર ગોલ્ડ વિશે. તમે સોનુ તો જોયુ જ હશે પરંતુ શું ક્યારેય પેપર ગોલ્ડ વિશે સાંભળ્યુ છે ખરા. ત્યારે આવો જાણીએ શું હોય છે પેપર ગોલ્ડ.
પેપર ગોલ્ડ શું હોય છે?
જે લોકો તેમના સોનાને સુરક્ષિત રાખવામાં સમસ્યાનો સામનો કરે છે તેમના માટે પેપર ગોલ્ડ એક સારો વિકલ્પ છે. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે પેપર ગોલ્ડમાં વ્યક્તિ પાસે કેટલા વિકલ્પો છે. શું ડિજિટલ સોનું એકમાત્ર વિકલ્પ છે? તો જવાબ છે- ના. ડિજિટલ ગોલ્ડ ઉપરાંત, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ, ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ પેપર ગોલ્ડના વિકલ્પો છે. તો ચાલો આપણે તેના વિશે સમજીએ વિગતવાર
ગોલ્ડ ઇટીએફ
ગોલ્ડ ETF એ ફંડ્સ છે જે ફિઝિકલ સોનામાં રોકાણ કરે છે અને નિયમિત શેરની જેમ સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ થાય છે. ગોલ્ડ ETF ખરીદવા માટે, તમારી પાસે રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. આજે, નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETF, HDFC ગોલ્ડ ETF અથવા ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ETF જેવા લોકપ્રિય ગોલ્ડ ETF બજારમાં હાજર છે. તમે તમારું પોતાનું સંશોધન કરીને કોઈમાં રોકાણ કરી શકો છો.
સોવરિન ગોલ્ડ બોન્ડ
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવી હતી. સોવરેન ગોલ્ડ બોન્ડ સરકાર વતી આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે, તેથી તે સરકારની ગેરંટી છે. આમાં તમને રોકાણ પર ખાતરીપૂર્વક વળતર મળે છે. આમાં રોકાણ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. આ નાણાં દર 6 મહિને રોકાણકારોના બેંક ખાતામાં જમા થાય છે. SGB નો પ્રથમ હપ્તો 30 નવેમ્બર, 2015 ના રોજ આવ્યો હતો. તે નવેમ્બર 2023માં મેચ્યોર થયો. SGB યોજનાની 2016-17 શ્રેણી ઓગસ્ટ 2016માં આવી હતી. આ સિરીઝ ઑગષ્ટ 2024માં મેચ્યોર થાય છે. જો કે હાલમાં 8 વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે તેની પહેલા આપ પૈસા ઉપાડી શકતા નથી. પરંતુ લોક ઇન પીરિયડ પછી મેચ્યોરિટી પર ઇન્કમ ટેક્સ છૂટની સાથે 2.5 ટકા નિર્ધારિત રિટર્ન મળે છે.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ મુખ્યત્વે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે અને સોનામાં રોકાણની પરોક્ષ રીત પ્રદાન કરે છે. તમે HDFC ગોલ્ડ ફંડ અથવા SBI ગોલ્ડ ફંડ જેવા વિવિધ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. ક્યારેય પણ પોતાની જાતે રિસર્ચ કર્યા વિના રોકાણ ન કરો. તમે સીધા જ મ્યુચ્યુલ ફંડની વેબસાઇટ અથવા ગ્રો કે જીરોધા જેવા પ્લેટફોર્મ દ્વારા નિવેશ કરી શકો છો.