ગયાનાના પ્રેસિડેન્ટ ઈરફાન અલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પ્રભાવશાળી નેતૃત્વ અને વિકાસશીલ વિશ્વમાં યોગદાન માટે દુનિયા નેતાઓમાં ચેમ્પિયન ગણાવ્યા હતા. તેમણે ગયાના અને અન્ય દેશોમાં તેમની પ્રાસંગિકતા અને પીએમ મોદીની શાસન સ્ટાઈલની પ્રશંસા કરી.
પ્રેસિડેન્ટ ઈરફાન અલી સાથે દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયાનાની બે દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત એટલા માટે ખાસ છે કારણ કે 56 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પીએમ ગયાના પહોંચ્યા છે. આવી પરિસ્થિતિમાં, પીએમ મોદીનું સ્વાગત કરવા ગયાના સરકારનું આખું કેબિનેટ પહોંચ્યું હતું. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ગયાના પ્રેસિડેન્ટ ઈરફાન અલી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
ગયાનાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના કર્યા વખાણ
સંયુક્ત નિવેદન દરમિયાન, ગયાનાના પ્રેસિડેન્ટ ઈરફાન અલીએ કહ્યું કે ‘વડાપ્રધાન મોદીજી તમારો ખૂબ ખૂબ આભાર. તમારું અહીં આવવું એ અમારું સૌથી મોટું સન્માન છે. તમે નેતાઓમાં ચેમ્પિયન છો. તમે શાનદાર નેતૃત્વ બતાવ્યું છે. તમે વિકાસશીલ વિશ્વને પ્રકાશ બતાવ્યો છે અને તમે વિકાસના માપદંડો અને ફ્રેમવર્ક બનાવ્યા છે જેને ઘણા લોકો તેમના પોતાના દેશોમાં અપનાવી રહ્યા છે અને જેમાંથી મોટા ભાગના અમારા માટે અહીં ગયાનામાં સંબંધિત છે.’
ગયાના અને ભારત વચ્ચે થયા 5 કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગયાના પ્રેસિડેન્ટ ઈરફાન અલી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન બંને દેશોએ પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ગયાનાના પ્રેસિડેન્ટ ઈરફાન અલીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગયાનાની મુલાકાત બંને દેશો વચ્ચે સહકાર વધારવા માટે એક સીમાચિહ્નરૂપ છે.
ગયાના ભારતની પ્રાથમિકતામાં સામેલ
દ્વિપક્ષીય મંત્રણા બાદ પીએમ મોદીએ કહ્યું કે આજની બેઠકમાં અમે અમારા સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી પહેલની ઓળખ કરી છે. અમે અમારા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગને વધારવાના પ્રયાસો ચાલુ રાખીશું. ગયાનાના લોકોની જરૂરિયાતોને અનુરૂપ, ભારત તેમના કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ભારત માટે આ પ્રાથમિકતા ક્ષેત્ર છે અને અમે આ સહયોગને આગળ લઈ જઈશું.