ગુજરાતના શક્તિશાળી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે. અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે પોતાની પાર્ટી પ્રજા શક્તિ ડેમોક્રેટિકને સક્રિય કરી હતી પરંતુ ત્યાર પછી તેમણે તેમાં ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા. હવે ‘બાપુ’ ફરી રાજકારણમાં આવી રહ્યા છે.
ચૂંટણી આવતા જ શંકરસિંહ સક્રિય થાય છે!
શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી.
શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની મુલાકાત
ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાતાં ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની થવાના એંઘાણ જોવા મળશે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું હતું. જો કે શંકરસિંહ વાઘેલાએ ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું.
શું બાપુ ભાજપને ફાયદો કરાવશે?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, બાપુએ ભલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતને ઔપચારિક ગણાવી પરંતુ મુલાકાત બાદ રાજપૂતનું મહાસંમેલન યોજાયું હતુ અને બાપુ મહાસંમેલનમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. રાજપૂતોના આંદોલનને શાંત કરવા માટે ભાજપે શંકરસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા હોય તેવું જણાઈ આવતું હતું. રાજપૂત મહાસંમેલન પછી રાજપૂત નેતાઓએ બાપુની નીતિને જાહેર કરી હતી કે બાપુ રાજકારણ કરી રહ્યા છે. અને હવે ત્રીજા પક્ષ સાથે ચૂંટણી લડવાની જાહેરાત સંકેત આપે છે કે બાપુ ભાજપને ફાયદો કરાવવા માટે ભાલો લઈને મેદાનમાં ઉતર્યા છે.
રાજ્યમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે બાપુ ફરી સક્રિય થયા છે હવે જોવાનું રહે કે બાપુ ભાજપને કેટલો ફાયદો? અને કોંગ્રેસને કેટલું નુકસાન કરશે? કે પહેલાની જેમ ફિયાસ્કો થશે.