Government ID And Passwords On Sell: ભારતમાં લોકોને છેતરવાનું એટલે કે સાયબર ક્રાઇમ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઘણા નવા રસ્તાઓ શોધી, સામાન્ય લોકોની મહેનતની કમાણી સ્કેમર્સ લૂંટી રહ્યા છે. આ તમામની વચ્ચે એવી વાતો આવી છે કે સાયબર ક્રિમિનલ્સ હવે સરકારી કર્મચારીઓના ઑફિશ્યલ ઈમેલ આઇડી અને પાસવર્ડને વેચી રહ્યા છે. જો આ ઈમેલ આઇડી અને પાસવર્ડ કોઈને મળી જાય તો તે લોકોને છેતરવા માટે અનેક નવા રસ્તાઓ શોધી શકે છે. એનાથી સામાન્ય વ્યક્તિ અને સંસ્થા, દરેકને ખૂબ જ નુકસાન થઈ શકે છે.
એકાઉન્ટ એક્સેસ
એક હેકરે માહિતી આપી છે કે થોડા હજાર રૂપિયા ખર્ચ કરીને સરકારી કર્મચારીના પાસવર્ડ અને આઇડી ખરીદી શકાય છે. આ ખરીદી કરતાંની સાથે જ એ સરકારી ઈમેલ આઇડીના એકાઉન્ટનું એક્સેસ પણ મળી જશે. એક્સેસ મળ્યા બાદ તે પાસવર્ડ પણ રિસેટ કરી શકે છે અને નવો પાસવર્ડ પણ નાખી શકે છે.
કેવી રીતે કરવામાં આવી શકે છે આ એકાઉન્ટનો ઉપયોગ?
આ એકાઉન્ટનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવી શકે છે. હાલમાં ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ ખૂબ જ ચર્ચામાં છે. આ અંગે નરેન્દ્ર મોદીએ પણ લોકોને સજાગ રહેવા વિનંતી કરી હતી. આ સ્કેમમાં જો જે-તે છેતરનાર વ્યક્તિને ઈમેલ એડ્રેસ મળી જાય તો તે ઘણા લોકોને છેતરી શકે છે. ઓફિશિયલ આઇડી પરથી ઈમેલ કરવામાં આવે કે તમારા નામ પર કોઈ ગેરકાયદેસર કાર્ય કરવામાં આવી રહ્યું છે, તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ ડરી જશે અને સ્કેમ કરનારની વાતમાં આવી જશે. એક વાર વાતમાં આવી ગયા તો મોટી રકમ વસૂલ કરવામાં આવી શકે છે.
કેવી કેવી માહિતી મેળવી શકાય છે?
સરકારી ઈમેલ આઇડીથી ઇમરજન્સી ડેટા એક્સેસ મેળવી શકાય છે. તેમ જ કોઈ પણ વ્યક્તિએ કોને અને ક્યારે ફોન કર્યો તે જાણી શકાય છે. ઓળખની ચોરી કરીને કંઈ પણ વસ્તુ કરી શકાય છે. કોઈ પણ યુઝરના સોશિયલ મીડિયા ડેટા પણ કંપની પાસેથી માગી શકાય છે. અમેરિકાની એજન્સી FBI દ્વારા હાલમાં જ જણાવાયું છે કે આ પ્રકારના સરકારી ઇમેલનો ઉપયોગ કરીને ઘણી અમેરિકન કંપની પાસે ખોટા અદાલતના સમન્સ મોકલીને ડેટાની ડિમાન્ડ કરવામાં આવી રહી છે.
સરકારી ઈમેલનું વેચાણ
હાલમાં જ એક પોસ્ટ સામે આવી છે, જેમાં સરકારી ઈમેલ આઇડી અને પાસવર્ડના વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. આ ડેટા હેકર્સ દ્વારા હેક કરવામાં આવે છે, પરંતુ તેને છેતરપિંડી કરનાર વ્યક્તિ ખરીદી લે તો મોટું કૌભાંડ બની શકે છે. તમિલનાડુ સરકારના કુલ 700થી વધુ ઈમેલ આઇડી અને પાસવર્ડ વેચવા માટે મૂકવામાં આવ્યા છે, જેમાંથી એક આઇડી અને પાસવર્ડ IAS અધિકારીનો પણ હોવાનું સામે આવ્યું છે. એના કરતાં પણ વધુ મોટા-મોટા લોકોના ઈમેલ આઇડીનો એમાં સમાવેશ હોઈ શકે છે.
આ પણ વાંચો: રિવોર્ડ પોઇન્ટ રિડમ્પશનના નામે છેતરપિંડીથી બચવા SBIની સલાહ, જાણો કેવી રીતે બચી શકાય
ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન
સરકાર આ માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનને લાગુ કરી ચૂકી છે. કોઈ પણ વ્યક્તિને હવે ઈમેલ એક્સેસ કરવા માટે વન-ટાઇમ-પાસવર્ડની જરૂર પડશે. આ સાથે જ સરકારે 2020માં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલી કવચ એપનો ઉપયોગ ફરજિયાત કરી દીધો છે. કોઈ પણ નવી ડિવાઇસમાં ઈમેલ આઇડીનો ઉપયોગ કરવામાં આવે તો પહેલા કવચ એપમાંથી અપ્રૂવલ આપવું પડે છે. જો એ અપ્રૂવલ મળે તો જ નવા ડિવાઇસમાં ઈમેલ આઇડી એક્સેસ કરી શકાય છે.
મધ્યસ્થીની મદદથી થાય છે કામ
એક હેકરે જણાવ્યું હતું કે એક સરકારી ખાતા માટે અંદાજે 12,600 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. આ માટે લોગ ઇન પ્રોસેસ થઈ જાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. હેકિંગ ફોરમ પર એસ્ક્રો નામની સેવા ઉપલબ્ધ છે. આ સેવામાં ગ્રાહક પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે અને હેકર્સ તમામ વિગતો આપી દે છે. જો કે, આ પૈસા હેકર્સને ત્યાં સુધી મળતાં નથી જ્યાં સુધી ગ્રાહકને એક્સેસ ન મળી જાય. એસ્ક્રો નામની મધ્યસ્થી સેવા આ પૈસાને અટકાવી રાખે છે. આ સાથે જ ઘણા હેકર્સ લોગ ડેટા ફાઇલ પણ વેચે છે, જેમાંથી ઇમેલ આઇડી અને પાસવર્ડ જાણી શકાય છે.
આ પણ વાંચો: ગેમના રસિયાઓ માટે દુખની વાત છે કે સોની PS5 પ્રો ઇન્ડિયામાં લોન્ચ નહીં થાય, જાણો કેમ…
FBIની સલાહ
FBI દ્વારા હાલમાં જ જણાવાયું છે કે .gov.in પરથી ઈમેલ આવે છે અને એમાં કહેવામાં આવે છે કે જે-તે વ્યક્તિનું યુઝરનેમ અને પાસવર્ડ જોઈએ છે. આ પાસવર્ડ અને યુઝરનેમ એ વ્યક્તિનો જીવ બચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ રીતે માહિતી કઢાવવામાં આવી રહી છે. આથી, તેમણે ભારત સરકારને આ અંગે પગલા લેવા માટે જણાવ્યું છે. આ સલાહ અને હેકર્સની પોસ્ટ પરથી એ નક્કી છે કે સરકારી કર્મચારીઓના ઈમેલ આઇડી અને પાસવર્ડને વેચવામાં આવી રહ્યા છે અને તેનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.