ગીરના કોડીનાર તાલુકાને જોડતી ગાયકવાડ સરકારના વખતની રેલવે સુવિધા બંધ કરી દેવાને 10 વર્ષનો સમય પસાર થઈ ગયો અને બંધ થયેલી રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવા માટે અનેક વખતની રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી.
ટ્રેન છેલ્લા 10 વર્ષથી બંધ કરી દેવામાં આવી
ગાયકવાડ સરકારના વખતથી કોડીનારમાં રેલવે સ્ટેશન આવેલું છે અને વર્ષોથી એક મીટર ગેજ ટ્રેન કોડીનાર આવતી જતી હતી, પરંતુ આ ટ્રેન છેલ્લા 10 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. કોડીનાર તાલુકાનો ગાયકવાડ સ્ટેટમાંથી અમરેલી જિલ્લામાં સમાવેશ કરાયા બાદ ભૌગોલિક રીતે જુનાગઢ જિલ્લા સાથે સંકળાયેલો છે. જુનાગઢ જિલ્લામાં સમાવેશ કરાયો અને બાદમાં ગીર સોમનાથ જિલ્લાની નવી રચના થતા તેમાં કોડીનાર તાલુકાનો સમાવેશ કરાયો છે. કોડીનાર તાલુકામાં અંબુજા સિમેન્ટ સીમરપોર્ટ અને કોસ્ટલ બેલ્ટ ઉપર અનેક ઉદ્યોગો આવી રહ્યા છે.
ટ્રેન શરૂ કરવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાની વિચારણા
આ ઉપરાંત કોડીનાર તાલુકાના હજારો વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં અને દેશમાં અભ્યાસ માટે જતા આવતા હોય તેમને પણ આ રેલવે સુવિધા ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારની પ્રજાને લાભ મળી રહે તેમ છે. બીજી તરફ સ્થાનિકો દ્વારા આવનારા દિવસોમાં રેલ્વે સુવિધા શરૂ કરવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાનું પણ વિચારણા ચાલી રહી છે. ત્યારે વહેલી તકે કોડીનારની રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવામાં આવે તેવું સામાન્ય જનતા ઈચ્છી રહી છે.