Vadodara GEB : ગઈકાલે સાંજે વડોદરામાં આવેલા વેગીલા વાવાઝોડાના કારણે સૌથી વધુ ફરિયાદો ફાયર બ્રિગેડ અને જીઈબીના તંત્રને મળી છે. ત્યારે જીઈબીનું નપાણીયું તંત્ર પોતાના કર્મચારીઓ કે નાગરિકોનો ભલું કરી શકતું નથી. ખાનગીકરણ કર્યા બાદ પણ જો જીઇબીનું તંત્ર સુધરી શકતું નથી તો આ ખાનગીકરણનો શું અર્થ? એવો સવાલો નાગરિકો કરી રહ્યા છે.
વડોદરામાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા બાદ જીઈબીમાં ગઈકાલે સાંજથી અસંખ્ય ફરિયાદો નાગરિકોએ વીજ પુરવઠાને અનુલક્ષીને કરી હતી. ગઈકાલે સાંજે વાવાઝોડું અને વરસાદ બંધ થયાના કલાકો સુધી અસંખ્ય જીઈબી ઝોનની કચેરીમાં નાગરિકોને ફોન પર પોતાની ફરિયાદ અંગે યોગ્ય પ્રત્યુતર અથવા ફરિયાદનું નિવારણ આવતું નથી તે માટે લાચારીનો અનુભવ કરી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દિવસેને દિવસે નાગરિકોને ઉત્કૃષ્ટ, સમયસર અને સમયબદ્ધ વગેરે જેવી સેવાઓ આપવાના વાયદાઓ કરે છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે સતત અત્યંત નબળી કામગીરી નાગરિકો અનુભવી રહ્યા છે. ઘણી જગ્યાએ જીઇબીના કર્મચારીઓ નાગરિકોની ફરિયાદ સાંભળવા ફોન પણ ઉઠાવતા નથી અને જો ફરિયાદ આપવામાં આવે તો તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે અને બીજી જગ્યાએ ખૂબ જ કામ ચાલે છે એ થશે પછી અમારો સ્ટાફ આવશે, તેમ જણાવી અધૂરી વાતે ફોન કટ કરી દે છે.
આ તમામ વચ્ચે ગઈકાલ સાંજથી ઉઠેલી અસંખ્ય ફરિયાદો હજુ આજે બીજા દિવસે પણ સોલ્વ થઈ શકી નથી. જેથી તંત્ર સમક્ષ ફરિયાદ કરવા અનેક નાગરિકો રૂબરૂ વિભાગીય કચેરી ખાતે પહોંચી ગયા હતા અને પોતાનો ઉશ્કેરાટ પણ ઠાલવ્યો હતો. જે વ્યક્તિ રૂબરૂ જાય તેનું કામ પ્રાથમિકતાના ધોરણે થતું હોવાની પણ અનુભૂતિ નાગરિકો કરી રહ્યા છે! ત્યારે હવે જીઈબીમાં વીજ સપ્લાય સંબંધીત ફરિયાદ માટે પણ નાગરિકોએ કલાકો સુધી હેરાનગતિ વેઠવી પડે ત્યારે જીઇબીનું તંત્ર સુધારવા રાજ્ય સરકારના ઉર્જા મંત્રીએ નિયમિત અહીં વડોદરા વિભાગીય કચેરી ખાતે આવીને પરિસ્થિતિનો ત્યાગ મેળવવા સાથે સાચી માહિતી મેળવી અહીંનું તંત્ર સુધર તેવી લોકોની ખરેખર ઈચ્છા છે. અન્યથા પૂર બાદ વર્તમાન સરકાર અને તંત્ર સામે ઉભી થયેલી નારાજગીથી પરિસ્થિતિ વધુ બગડે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં જીઇબીનું ખાનગીકરણ કરવા છતાં નાગરિકોનું ભલું થઈ રહ્યું નથી એવી અનુભૂતિ નાગરિકો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જીઈબીના ખાનગીકરણ ટાણે કર્મચારીઓના હિતની વાત કરવામાં આવી હતી. કર્મચારીઓની હજુ અનેક માંગણીઓ પડતર છે આથી ખાનગીકરણમાં કર્મચારીઓનું પણ ભલું થઈ શક્યું નથી!