વડોદરા : બુધવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા લોકોમાં ફરીથી પૂરનો ડર જોવા મળી રહ્યો હતો. બીજી તરફ ગરબા આયોજકોમાં મેદાન ઉપર તૈયાર થતાં માળખાને બચાવવા માટે દોડધામ મચી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે ગરબા મેદાન પર ચાલતી તૈયારીઓમાં વિઘ્ન આવ્યુ છે અને મોટાભાગના મેદાનો ઉપર તૈયાર કરાયેલા પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા અને ફૂડ કોર્ટ સહિતના સ્ટ્રક્ચર તૂટી પડયા હતા. ગરબા મેદાનો ઉપર પાણી ભરાઇ ગયા છે. જેના પગલે ગરબાના આયોજકોએ આજે ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને નવરાત્રિ દરમિયાન જો વરસાદ પડે તો શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી હતી.
મેદાન પરથી પાણી કાઢવા પંપ અને સ્પંજની વ્યવસ્થા
આજે વાવાઝોડા સાથે અચાનક તૂટી પડેલા ભારે વરસાદના કારણે મેદાન પર પાણી ભરાઇ ગયુ છે. સ્ટ્રક્ચરને નુકસાન થયુ છે. જો કે અમે પાણી બહાર કાઢવા માટે પંપની વ્યવસ્થા કરેલી છે. હજુ પણ વરસાદની આગાહી હોવાથી વાત ચિંતાજનક છે અને તે માટેની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. જો કે નવરાત્રિ દરમિયાન પણ જો વરસાદ પડશે તો મેદાન ઢાંકવા માટેની વ્યવસ્થા ઉપરાંત ભરાયેલા પાણી કાઢવા માટે સ્પંજ અને પંપની વ્યવસ્થા કરેલી છે. અમારુ સેન્ટ્રલ સ્ટેજ કોન્ક્રિટનું છે એટલે તેની કોઇ ચિંતા નથી.
હેમંત શાહ – પ્રમુખ, યુનાઇટેડ વે
પાણીના નિકાલ માટે મેદાન ઉપર ૨૪ રેન વોટર હાર્વેસ્ટિંગ બોર બનાવ્યા
આજે પડેલા વરસાદના કારણે મેદાનની ચોતરફ પતરાની આડશ ઉભી કરવામાં આવી હતી તે તૂટી પડી છે. જો કે વરસાદ બંધ થતાં જ માણસો કામે લાગી ગયા છે. ફૂડકોર્ટ અને બેઠક વ્યવસ્થાનું સ્ટ્રક્ચર હેવી છે એટલે તેમાં નુકસાન નથી થયું. અમારા મેદાન ઉપર વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતાઓ એટલા માટે નથી કે ગુજરાતમાં કોઇ મેદાન ઉપર નહી હોય તેવી વ્યવસ્થા અમે કરી છે. મેદાન ઉપર રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ૨૪ બોર બનાવ્યા છે. વરસાદી પાણી જમીનમાં ઉતરી જશે.
મયંક પટેલ – પ્રમુખ, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ
મેદાનનું લે આઉટ જ એવુ છે કે પાણી ટકતુ નથી
અમારા ગરબા મેદાન ઉપર પાણી લાંબો સમય ટકતુ નથી કેમ કે મેદાનનું લે આઉટ જ ઢાળવાળો છે કે પાણીનો નિકાલ તાત્કાલિક થઇ જાય છે. આ ઉપરાંત અમે પાણી કાઢવા માટે પંપની પણ વ્યવસ્થા કરી છે. મેદાન ઢાંકવાની પણ પુરતી વ્યવસ્થા છે. મેદાનની આસપાસનું જે સ્ટ્રક્ચર છે તેમાંથી મોટાભાગનું પરમનેન્ટ છે એટલે તેને નુકસાન થવાની શક્યતાઓ ઓછી છે. નવરાત્રિ દરમિયાન જો વરસાદ પડશે તો પણ બે કલાકામાં મેદાન રમવા માટે તૈયાર થઇ જશે તેવી વ્યવસ્થા છે.
કૌશીક ભટ્ટ – પ્રમુખ, પોલો ક્લબ
મેદાન ઢાળવાળુ બનાવ્યુ છે, મેદાન ફરતે નીક હોવાથી પાણી નીકળી જશે
ભારે વરસાદ અને પવનના કારણે ફુડ કોર્ટના સ્ટ્રક્ચરને નુકસાન થયુ છે. પતરાની આડશ તૂટી પડી છે. મેદાન પણ પાણી ભરાયુ છે. જો કે ઢાળવાળુ મેદાન છે અને મેદાનને ફરતે નીક બનાવી હોવાથી પાણી તો ઉતરી જશે. નવરાત્રિમાં વરસાદ પડશે તો મેદાનને પ્લાસ્ટિકથી ઢાકવાની વ્યવસ્થા છે. પંપ પણ રાખવામાં આવ્યા છે. અનુભવના આધારે એટલુ કહી શકાય કે અત્યારે વરસાદ પડશે તો નવરાત્રિમા નહી પડે.
કમલેશ પરમાર – પ્રમુખ, નવશક્તિ ગરબા
મેદાનને પ્લાસ્ટિકથી કવર કરાયુ એટલે પાણી ભરાયા નહી
આજે પડેલા વરસાદના કારણે મેદાન ઉપર પાણી ભરાયા છે જો કે વરસાદ પહેલા જ આખુ મેદાન અમે પ્લાસ્ટિકથી કવર કરી લીધુ હતું. મેદાનને ચોતરફ ઢાળ આપવામાં આવ્યો છે એટલે પાણી વહી જાય છે. ફુડકોર્ટની કેટલીક દુકાનોને થોડુ નુકસાન થયુ છે પરંતુ હજુ તો નવરાત્રિને એક સપ્તાહનો સમય છે એટલે કોઇ મુશ્કેલી નથી. નવરાત્રિ વખતે પણ જો વરસાદ પડશે તો પંપ સહિતની સુવિધાઓ રાખેલી છે.
દિનેશ યાદવ – પ્રમુખ, અડુકીયો દડુકીયો બાળ ગરબા