રાજ્યની કેપિટલ સિટી ગાંધીનગરની હરિયાળી જળવાય રહે તે માટે દર વર્ષે ચોમાસા દરમિયાન મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. પરંતુ એ પછી માંડ વીસેક ટકા રોપા બચે છે, જતનના અભાવે મોટાભાગના રોપા સૂકાઈ જાય છે.
સેક્ટર-27માં ચોમાસું પુરું થઈ ગાય પછી પાણીના અભાવે અનેક રોપાઓનો નાશ થઈ જવા પામ્યો છે. જે માટે વન તંત્રની નિષ્ક્રીયતા છતી થઈ છે. વન તંત્ર દર વર્ષે ચોમાસા દરમિયાન વૃક્ષારોપણનું લક્ષ્યાંક જાહેર કરે છે. પરંતુ તેને સિધ્ધ કરવામાં તેને કોઈ રસ નથી.
પાટનગર ગાંધીનગરમાં ઘણી બધી જગ્યા વન વિભાગની છે. જેમાં દર વર્ષે ચોમાસું શરૂ થાય ત્યારથી વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવે છે. આ વખતે પણ ખૂબ મોટાપાયે વૃક્ષારોપણ કરાયું છે. પરંતુ તેમાંથી ઘણાંખરા પાણીના અભાવે છોડ સૂકાઈ પણ ગયા. સેક્ટર-24 અને 27માં આસપાસ કરવામાં આવેલી ફેન્સીંગમાં વનવિભાગ દ્વારા રોપા રોપવામાં આવ્યા હતા. ચોમાસા સુધી છોડવાઓને કુદરતી પાણી મળતું રહ્યું. પરંતુ ત્યારપછી વન વિભાગ દ્વારા ટેન્કર થકી પણ પાણીની વ્યવસ્થા ના કરાતા મોટાભાગના રોપા સૂકાઈ ગયા હોવાનું સેનિટેશન સમિતીના ચેરમેન અંકિત બારોટે રોષ સાથે જણાવ્યું છે. આ વિસ્તારના નાગરિકોએ રજુઆત કરતાં સ્થળની મુલાકાત દરમિયાન સત્ય હકીકત સામે આવી છે. વૃક્ષારોપણ કર્યા બાદ વન વિભાગ દ્વારા એકવાર પણ મુલાકાત કરી ન હોવાનો ચેરમેન બારોટે આક્ષેપ કર્યો છે. એકબાજુ ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરને હરિયાળું બનાવવા માંગે છે, તો બીજીતરફ વન તંત્રના પાપે રોપવામાં આવેલા છોડવા સૂકાઈ જતાં તમામ ખર્ચ વ્યર્થ ગયો. બેદરકારી દાખવનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. છોડવાઓને પાણી આપવાનું આયોજન કરવા પણ તાકીદ કરી હતી.