સિદ્ધપુર પંથકનો મોટો વર્ગ ખેડૂત હોવાથી ખેતી ઉપર નિર્ભર છે અને તેમાં પણ ઘણા વર્ષોથી સતત બારેમાસ સૂકી ભઠ્ઠ રહેતી સરસ્વતી અને ઉમરદશી નદીને કારણે આ વિસ્તારમાં ખેતીકામ માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન વર્ષોથી પડતર હતો.
પંથકના ખેડૂતોની ઘણા દશકાઓથી પડતર માંગણી હતી કે સરકાર એવું કોઈ આયોજન કરે કે જેથી નદીમાં પાણી આવે અને ગામડાંઓના તળાવો ભરેલાં રહે તો ભૂગર્ભ જળ ઉંચા આવે તો ખેતીવાડી સરળ અને સસ્તી બને જે બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી પણ છેલ્લા કેટલાક સમયથી પ્રયત્નશીલ હતા જેઓની રાજ્ય સરકારમાં થયેલી રજૂઆતોને પગલે આખરે રાજ્ય સરકાર દ્ધારા 125.65 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરીને સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના 47 ગામડાંઓના તળાવોને અને ઉમરદશી નદીને ડીંડરોલથી મુક્તેશ્વર પાઈપલાઈન મારફતે નર્મદાના પાણીથી ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતાં ખેડૂત આલમમાં હર્ષની લાગણી વ્યાપી છે.