લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત દૂર કરવાના નિવેદન સામે રાજ્યભરમાં શુક્રવારે પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા મૌન રેલી અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સુભાષબ્રિજ પાસે કાળી પટ્ટી ધારણ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતા સામે વિરોધ
નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં પ્રવાસ દરમિયાન ભારતમાં અનામત હટાવવા મુદ્દે નિવેદન આપ્યુ હતુ. જેની સામે પ્રદેશ ભાજપે રાજ્યમાં 44 સ્થળે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યસભાના સાંસદ તેમજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ મયંક નાયકની આગેવાનીમાં અમદાવાદ સ્થિત આરટીઓ સર્કલથી સુભાષબ્રિજ સુધી સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ, ભાજપના SC, ST અને OBC મોરચાના કાર્યકરોએ મૌન રેલી યોજીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના રાહુલ ગાંધી એટલે અનામત વિરોધી ચહેરો, અનામત વિરોધી કોંગ્રેસ- દેશ વિરોધી કોંગ્રેસ લેખેલા પોસ્ટરની સાથે કલેક્ટર કચેરી પાસે કાળી પટ્ટી બાંધીને ધરણાં યોજ્યા હતા. ભાજપના નેતાઓએ કોંગ્રેસના રાહુલ ગાંધી સામે આક્ષેપ કર્યો છે કે, ભારતના બંધારણનું સૌથી વધુ અપમાન કર્યુ હોય તો તે કોંગ્રેસની સરકારો છે.