દહેગામથી ગાંધીનગર તરફ જઇ રહેલી એક એસટી બસને મગોડી ગામના પુલ પાસે અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસને અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોમાં બુમરાણ મચી ગઇ હતી.
અકસ્માત પુલ પાસે બંધ પડી ગયેલા એક ટ્રકની પાછળ ઘુસી જતા થયો હતો. બસમાં સવાર બસના કંડક્ટર ચાલક સહિત અન્ય ચારેક મુસાફરોને ઇજાઓ થતા 108 દ્વારા દહેગામ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બસના અકસ્માતથી રાત્રે રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
મહુધા એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ ફતેસિંહ સોલંકી (રહે.ચરેડ) તથા ડ્રાઇવર દિલિપસિંહ ફુલસિંહ ડાભી (રહે. કાકરખાડ) મહુધા બસ ડેપોની બસ નંબર જીજે.18. ઝેડ.7312 લઇને નડીયાદથી ગાંધીનગરની ટ્રીપમાં નીકળ્યા હતા.
દરમિયાન વચ્ચે આવતા દહેગામ ડેપોમાંથી મુસાફરો ભરીને ગાંધીનગર જવા રવાના થયા હતા. રાત્રે મગોડી ખારી નદીના પુલ પાસે ઢાળ ચડતા હતા એ વખતે પુલના છેડા પાસે રોડ પર એક ટ્રક નંબર જીજે.24.યુ.8541 બંધ પડેલી હાલતમાં પાર્ક થયેલો હતો. તેની આગળ કે પાછળની સાઇડની પાર્કિંગ લાઇટો પણ બંધ હતી. ટ્રકનો ચાલક પણ ગેરહાજર હતો. દરમિયાન બસ ટ્રકના પાછળના ભાગમાં ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં બસના કાચ તુટી ગયા હતા. અકસ્માતને લઇને બસમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બુમાબમ થઇ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી ગઇ છે.બનાવમાં બસના ચાલક તથા કંડક્ટર સહીત અન્ય ચારેક મુસાફરોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બસના ચાલક દિલિપસિંહ ડાભી સામે બેદરકારીથી બસ હંકારવા મામલે ચિલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો