ભાજપમાં સ્નેહમિલનની સીઝન પુરબહારમાં ખીલી છે. ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ મોટાપાયે મતભેદ નહિ પણ મનભેદ વધી રહ્યો છે. પણ આ સ્નેહમિલનમાં ઉમટેલા લોકોને જોતા અત્યારે ભાજપમાં નવું સ્લોગન સાંભળવા મળે છે, બટેંગે તો કટેંગે..આ સૂત્ર અહીંના દ્રશ્યો જોતાં બંધ બેસતું લાગ્યું.
ગાંધીનગરમાં સ્થાનિક રાજનિતી વેરવિખેર થતી દેખાય રહી છે. છતાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના નુતન વર્ષના સ્નેહમિલનમાં જૂના -નવા નેતાઓ તમામને નોતરું આપીને તેડાવવામાં આવ્યા હતા. એક જ મેસેજ મૂકાયો અને સૌ પહોંચી પણ ગયા !!! મેયરે પોતાના પરિવારમાં લગ્ન હોવા છતાં સ્નેહમિલનમાં હાજરી આપી હતી. પાટનગર ગાંધીનગરમાં ભાજપમાં ચરૂ ઉકળી રહ્યો છે તે આ કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ માઈક ઉપર જે રીતે ઝેર ઓક્યું તેના પરથી પુરેપુરો ખ્યાલ આવી ગયો. અહીં એવું પણ જોવા મળ્યું કે, હાંસિયામાં ધકેલી દેવાયા છે તે લોકોએ પણ હાજરી આપી અને જેમને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરાય રહ્યો છે તે લોકો પણ કાર્યક્રમમાં હસતા ચહેરે ઉપસ્થિત રહેલા. આને મારો વિરોધ છે, એ ફરિયાદમાં હવે કોઈ દમ નહી રહે. કારણ કે, સ્નેહમિલનના પ્લેટફોર્મનો હરકોઈએ પોતપોતાની રીતે ઉપયોગ કરી લીધો.