ઉત્તરાયણમાં પતંગની દોરી પક્ષીઓ માટે ઘાતક સાબિત થઇ છે. છેલ્લા બે દિવસમાં પતંગની દોરીથી કુલ 169 પક્ષીઓની પાંખો કપાઇ છે. જેમાં 11 પક્ષીઓના મોત નિપજ્યા છે. મૃતક તમામ પક્ષીઓ કબુતર છે.
જ્યારે એક નિલગાયને પણ ઇજા પહોંચી છે.દર વર્ષની માફક આ વર્ષે પણ ઉત્તરાયણ પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઇ હતી. પતંગની ઘાતક દોરીનો દર વર્ષે શિકાર બનતા પક્ષીઓ આ વર્ષે પણ તેમાંથી બાકાત રહ્યા નહતા. ગાંધીનગરમાં આ ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીપ્રેમી યુવાન યુવતીઓ દ્વારા હેલ્પલાઇ નંબર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે આ યુવાનો ઉપરાંત વેટરનરી ડોક્ટરો પણ ખડેપગે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન ગાંધીનગરમાં પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થયાના સતત કોલ રણક્યા હતા. આ બે દિવસ દરમિયાન કુલ 169 પક્ષીઓને ઇજા પહોંચી હતી. જેમાં મોટાભાગના કબુતરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચમચો નામના સિડયુલ-1માં આવતુ પક્ષી પણ ઘાયલ થયુ હતું. આ પક્ષી વેટલેન્ડનું પક્ષી ગણાય છે. જે પીડીપીયુ પાસે પતંગની ઘાતક દોરીથી ઇજા પામ્યુ હતું. આ ઉપરાંત આઇબીસ, ચીબરી, રેવીદેવી ઘુવડ અને પોપટ પણ પતંગની દોરીથી ઇજા પામ્યા હતા. તેઓને ડોક્ટરો દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી. જોકે, આ પૈકી 11 કબુતરોનો જીવ બચાવી શકાયો નહતો.પતંગની ઘાતક દોરીથી તેઓના ગળા અને પાંખો કપાઇ ગઇ હતી. જ્યારે એક નીલગાય પણ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થઇ હતી. તેને પણ સારવાર આપવામાં આવી હતી.