અમેરિકામાં સત્તા પરિવર્તન થવા સાથે જ ગેરકાયદે વસતા ભારતીયો સહિતના લોકો પર જબરજસ્ત ગાજ પડવાની શરૂ થઈ છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસનારાઓને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં અત્યારસુધીમાં બે ફ્લાઈટ ગેરકાયદે ભારતીયોને લઈને પરત આવી તેમાં ગાંધીનગર જિલ્લાના કુલ મળીને 18 લોકોની વતન વાપસી થઈ છે.
જ્યારે ત્રીજી ફ્લાઈટ આવી રહી છે તેમાંપણ ગાંધીનગરના સાતના નામ ડિપોર્ટેશન યાદીમાં હોવાનું સામે આવ્યું છે. આમ અત્યારસુધીમાં ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગાંધીનગર જિલ્લાના 25 લોકો સામેલ છે. આ તમામના પરિવારોની હાલત અત્યારે કફોડી બની છે. વિદેશમાં સેટ થઈ ડોલર કમાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
અમેરિકામાં જ્યારે ચૂંટણીનો માહોલ હતો એ સમયગાળામાં એજન્ટોએ લોકોને આ ડોલરિયા દેશમાં જવાના મોટા સપના દેખાડયા હતા. લોકો અર્ધા લાખથી લઈને એક થી દોઢ કરોડ સુધીની રકમ ખર્ચી ખર્ચીને ગેરકાયદે અમેરિકા પહોંચ્યા, પણ બોર્ડર પરથી જ પકડાઈ ગયા અને હવે આ તમામને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ સરકારે ડિપોર્ટ કરવાની કામગીરી હાથમાં લીધી અને 104 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ ત્યાંથી રવાના થઈ હતી. જેમાં 33 ગુજરાતીઓ હતા તે પૈકી 14 ગાંધીનગરના હતા. આ લોકોને પોલીસે વતનમાં પહોંચતા કર્યા તે સાથે જ તમામ ગાયબ થઈ ગયા. જે 14 પરત આવ્યા તેમાં સૌથી વધુ માણસાના દસ અને કલોલના ચાર લોકો હતા.
જેઓએ ડંકી રૂટથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને બોર્ડર પર પકડાઈ ગયા હતા. હવે રહીરહીને એવી વાત સામે આવી કે, કલોલના બે લોકોનો અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાનો આ બીજો પ્રયાસ હતો. અગાઉ 2023માં તેઓ મેક્સિકો સુધી પહોંચી ગયા, પરંતુ ત્યારબાદ ત્યાંથી આગળ જવાનું શક્ય ન બન્યું અને થોડાક જ દિવસોમાં તેઓ ઈન્ડિયા પરત આવ્યા. આ પછી પણ તેમની વિદેશમાં જવાની ઘેલછા એ હદે હતી કે વર્ષ 2024માં તેમણે ફરી યુએસએ જવા માટેની તૈયારીઓ કરી. મેક્સિકોથી આ વખતે અમેરિકામાં ઘૂસ્યા પણ ખરા, પરંતુ તે સાથે જ બોર્ડર પર જ તેમને પકડી લેવામાં આવ્યા હતા અને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
અમેરિકાથી જે બીજી ફ્લાઈટ 116 ભારતીયોને લઈને આવી તેમાં આઠ ગુજરાતીઓ પૈકી ચાર ગાંધીનગરના હતા. જે નામ સામે આવ્યા છે તેમાં કેનિશ મહેશભાઈ ચૌધરી માણસાનો છે. ધવલ લુહાર અને રુદ્ર ધવલભાઈ લુહાર બંને કલોલના છે. જ્યારે મિહીર ઠાકોર કલોલનો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જે ત્રીજી ફ્લાઈટ ભારતીયોને લઈને આવી રહી છે તેમાંપણ 20 ગુજરાતીઓ છે. તે પૈકી સાત લોકો ગાંધીનગરના હોવાની વિગતો છે. જેમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત ચાર લોકો એક જ પરિવારના છે. પરંતુ લીસ્ટમાં તેમના નામ આગળ સ્થળ જુદાજુદા બતાવાયા છે. જેમાં મહિલા પાલજની, એક પુરુષ પાનસરનો અને બીજો યુવાન ગાંધીનગરનો અને અન્ય એક યુવાન રાંધેજાનો હોવાનું દર્શાવાયું છે. જ્યારે હકીકતે આ ચારેય સભ્યો પતિ-પત્ની અને બે પુત્રો એક જ પરિવારના હોવાની વિગતો છે. આ ઉપરાંત માણસા તાલુકાનું ડોલરીયુ ગામ ડીંગુચાના ત્રણ લોકો છે. આ ત્રણેય પણ એક જ પરિવારના હોવાનું સ્પષ્ટ થાય છે. પહેલી ફ્લાઈટમાં ડિપોર્ટ થયેલા જે 14 લોકો વતન પરત ફર્યા છે, તે પૈકીમાંથી કોઈએ હજુસુધી એજન્ટ સામે ફરિયાદ નથી નોંધાવી. આ તમામ કઈ રીતે અમેરિકા ઘૂસ્યા, કોણે તેમને મદદ કરી, કેટલા નાણાં ખર્ચ્યા એ તમામ બાબતે આટલા દિવસો પછી પણ કોઈએ મોંઢુ નથી ખોલ્યું. ઘણાં તો પોતાની જમીન, મકાન વેચીને યુએસએ જવા નીકળ્યા હતા, હવે શું આ સવાલ તેમને કોરી ખાશે. મંઝિલ સુધી પહોંચ્યા પછી છેકથી પછડાવાનો વારો આવ્યો છે. આ પીડા ક્યારેય નહી ભૂલાય. આ જખમ ક્યારેય નહી રૂઝાય.