ભારતમાં સુક્ષ્મ, લધુ અને મધ્યમ કદ- MSMEના ઔદ્યોગિક એકમો ક્ષેત્રે એક સમયે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશની સાથે સ્પર્ધા કરનારૂ ગુજરાત હવે આ સેક્ટરમાં સતત પાછળ પડી રહ્યુ છે.
લોકસભામાં ગુરૂવારે જાહેર માહિતી મુજબ 1લી જુલાઈ- 2020થી લઈ 31 જાન્યુઆરી 2025 સુધીના સમયકાળમાં ગુજરાતમાં નવા MSMEની નોંધણીમાં ડાઉનફોલ આવ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. ગુજરાત પાંચમેથી છઠ્ઠા નંબરે પટકાયુ છે. જ્યારે વિતેલા એક દાયકાથી અવલ્લ રહેલુ મહારાષ્ટ્ર અણનમ રીતે પ્રથમ રહ્યુ છે.
રાજ્ય સરકારે ગુજરાતની કરોડરજ્જુ ગણાતા આ સેક્ટરમાં નવા ઔદ્યોગિક એકમોની નોંધણીમાં દર વર્ષે 25થી 30 ટકાનો વૃધ્ધીદર હોવાનો દાવો કર્યો હતો. જોકે, ગુરૂવારે લોકસભામાં રજૂ થયેલા એક સવાલના જવાબમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ગુજરાતમાં MSME ક્ષેત્રમાં માત્ર 33,94,069 જ નવા એકમો નોંધાયાનું કહેવાયુ છે. નવા એકમોની નોંધણીમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. તેમાંય નવા મધ્યમ કદના એકમો તો માત્ર 8,554 જ નોંધાયા છે.