સમગ્ર ગુજરાતમાં કૌભાંડોમાં માહેર ગણાતા સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભેજાબાજોએ અનેક કૌભાંડોને અંજામ આપ્યો છે, ત્યારે તાજેતરમાં વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. જેમાં ફોજીવાડાની સીમમાં ચાલતી મીષ્ટાન ફૂડ્સ નામની કંપનીએ કાગળ પર કાગને વાઘ ચીતરીને ખોટા આંકડા રજૂ કરતાં થોડાક સમય અગાઉ સેબીએ હિસાબો શંકાસ્પદ હોવાનું માનીને શેર લિસ્ટેડ કંપનીના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે.
એટલુ જ નહીં પણ સેબીએ તેના સંચાલકને શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકયો છે. જે અંગેની વિગતો મંગળવારે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ નવી અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.આ અંગે આધારભૂત સૂત્રોમાંંથી મળતી માહિતી મુજબ, હિંમતનગરની મીષ્ટાન ફૂડ્સ નામની આ કંપની ફોજીવાડાની સીમમાં આવેલી છે. જેણે 10 વર્ષ અગાઉ કંપની શરૂ કરીને સેબીમાં સભ્ય બનીને શેર ભંડોળ એકત્ર કરવા આઈપીઓ બહાર પડયો હતો. અગાઉ આ કંપની મીષ્ટાન ફૂડ્સના નામે 1981માં સીમેન્ટ કંપની હતી જેનું નામ સીમેન્ટ હતું. ત્યારબાદ આ કંપનીએ 1994માં ધંધો બદલીને ફૂડ પ્રોસીંસગના ધંધામાં ઝંપલાવ્યુ હતુ અને તત્કાલિન સમયે બાસમતી ચોખા, ઘઉં, દાળ અને મીઠુ કંપનીના નામે વેચતી હતી જેથી તેનું નામ મીષ્ટાન ફૂડ્સ રાખવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ આ કંપનીએ બધુ જ કાગળ પર ચલાવ્યુ હતુ. ખરીદ-વેચાણ અને લેવડ દેવડના બીલ સહિત તમામ હિસાબો માત્ર કાગળ પર આંકડાનો ખેલ બતાવતી હતી. ત્યારે વર્ષ 2014માં મીષ્ટાન ફૂડ્સનું વેચાણ માત્ર રૂ.પ કરોડ હતું.
ત્યારબાદ એકાએક વર્ષ 2024વેચાણ રૂ.1200કરોડ થઈ ગયુ હતુ પરંતુ આંકડાની માયાજાળ રચીને કોઈ જ નફો પોતાના સરવૈયામાં બતાવ્યો નથી. દરમિયાન સેબીમાં લિસ્ટેડ મીષ્ટાન ફૂડ્સ શંકાના દાયરામાં આવી જતાં સેબીએ તેના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટિસ પાઠવી છે. આ કંપનીએ હિસાબોમાં એટલુ બધુ ખોટુ ચલાવ્યુ હતું કે વીજ બીલ રૂ.60 લાખના બદલે રૂ.4 કરોડ બતાવી દીધુ. ઉલ્લેખનીય છે કે, અગાઉ મીષ્ટાન ગૃપના ભાગીદારો સામે હિંમતનગરમાં કરોડોની છેતરપીંડી કરાઈ હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાઈ હતી. આમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો કૌભાંડોની હારમાળા સર્જવામાં અગ્રેસર હોય તેમ ભુતકાળમાં પેપર લીક કૌભાંડ, બી-ઝેડ, કૌભાંડ સહિત અનેક કૌભાંડ પ્રકાશમાં આવી ગયા છે ત્યારે લોકમુખે ચર્ચાઓ એરણે ચઢી છે. હજુ તો આગામી સમયમાં કેવા કૌભાંડો બહાર આવશે તે માટે રાહ જોવી રહી.