ગાંધીનગર આરટીઓ દ્વારા ફોર વ્હીલરની નવી સિરિઝ GJ-18-EEમાં પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવી હતી. જેમાં 212 લોકોઓ પસંદગીના નંબરો લેતા ગાંધીનગર આરટીઓને 60 લાખ જેવી આવક થઈ છે.
નંબરોની હરાજીમાં 20 લોકોએ ગોલ્ડન, 24 લોકોએ સિલ્વર જ્યારે 177 લોકોએ પોતાના જોઈતા એટલે લકી નંબર, બર્થ ડેટ, એનિવર્સરી જેવા આંકડા પર પસંદગી ઉતારી હતી. ઓનલાઈન હરાજીમાં 0009 નંબર સૌથી વધુ 5.55 લાખમાં ગયો હતો.
નવા વાહનોની ખરીદી કરતાં લોકો પસંદગીના નંબર માટે પણ લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. જેને પગલે આરટીઓ દ્વારા સમયાંતરે નવી-જુની સિરિઝમાં પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી કરાતી હોય છે. જે અંતર્ગત ગાંધીનગર આરટીઓ દ્વારા ફોર વ્હીલરની નવી સિરિઝ GJ-18-EEમાં પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવી હતી. જેમાં 212 ફોર વ્હીલર ચાલકોએ પસંદગીના નંબરો લેતા આરટીઓને 60 લાખ જેટલી આવક થઈ હતી. ઓનલાઈન ઓક્શનમાં 20 કાર ચાલકોએ ગોલ્ડન નંબર, 24 કાર ચાલકોએ સિલ્વર નંબર જ્યારે 177 લોકોએ પોતાના જોઈતા નંબરો લીધા હતા. 212 નંબરોમાં 18 નંબરો માટે જ સામસામે બોલી બોલાઈ હતી. જ્યારે બાકી રહેલાં નંબરો બેઝ પ્રાઈઝ પર જ ગયા હતા. ગોલ્ડન નંબર 40 હજાર, સિલ્વર નંબર 15 હજાર જ્યારે પસંદગીના અન્ય નંબરો માટે 8 હજાર બેઝ પ્રાઈઝ છે. ઓનલાઈન ઓક્શન દરમિયાન છેલ્લી ઘડીએ સાઈટ ક્રેશ થતી હોવાની ફરિયાદો પણ અરજદારોમાં ઉઠી હતી. તો બીજી તરફ એક આઈડી એક કરતાં વધારે સિસ્ટમમાં ખુલતું હોવાથી પસંદગીના નંબર લેવા બેઠેલા અરજદારો વધારે સિસ્ટમમાં લોગીન કરીને વધારે ઊંચી બોલી ભરી દેતા હોવાનું કહેવાય છે.