રાજ્યમાં ફરી એક વખત ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હોસ્ટેલના 20 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર થઈ છે. શહેરમાં આવેલી દર્શ હોસ્ટેલના 20 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર થઈ છે. તમામે તમામ વિદ્યાર્થીઓને ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદો છે.
વિદ્યાર્થીઓએ ગઈકાલે હોસ્ટેલમાં ચાઈનીઝ ખાધું હતું
હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓએ ગઈકાલે હોસ્ટેલમાં ચાઈનીઝ ખાધું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓની તબિયત બગડી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે, ત્યારે તપાસ બાદ જાણી શકાશે કે કયા કારણસર વિદ્યાર્થીઓની તબિયત બગડી છે.
6 ફેબ્રુઆરીએ તાપીના સોનગઢમાં પ્રાથમિક શાળાના બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું
તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ તાપીના સોનગઢમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના સામે આવી હતી. 24થી વધુ બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ થવાની ઘટનાથી પરિવાર ચિંતિત થયો હતો અને તમામ બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાળકોને ફૂડ પોઈઝનિંગ થયાનું સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સાંઢકુવામાં 24થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં તમામને ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. શાળામાં જ બાળકોની તબિયત બગડતા શાળાનું તંત્ર પણ દોડતું થયું હતું. બાળકોની હાલત જોઈ માતાપિતા અને પરિવાર પણ ચિંતિત થયો હતો. એકસાથે 24 બાળકોની તબિયત બગડતાં ગામના વડીલો પણ મૂંઝાયા હતા.