અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સીધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી સીધી સેવા શરૂ થશે
હવેથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે મેટ્રો ટ્રેન મુસાફરોને બદલવી નહીં પડે. મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે સીધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરોનો સમય પણ બચી જશે અને દરરોજ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને મોટા અંશે રાહત મળશે.
9 જાન્યુઆરીએ મોટેરાથી ગાંધીનગર મેટ્રો રૂટ સ્થગિત કરાયો હતો
તમને જણાવી દઈએ કે ગુજરાતની રાજકીય રાજધાનીને આર્થિક રાજધાની સાથે મેટ્રોથી જોડવામાં આવી છે. જેમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને 5.42 કિમીનો GNLU-Gift City કોરિડોરનો સમાવેશ થાય છે. આ સમગ્ર રૂટ ફેઝ-2 માં આવે છે. આ ફેઝ-2ના મોટેરા ગાંધીનગર રૂટના મેટ્રો સ્ટેશન નિરીક્ષણના અનુસંધાને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં એક દિવસ માટે રૂટ સવારથી સાંજ સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા તારીખ 9મી જાન્યુઆરી 2025ના દિવસે ફેઝ-2 કોરિડોરના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને GNLUથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 10.40 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો.
સરકારને થઈ મોટી આવક
ઉલ્લેખનીય છે કે મેટ્રો સેવા અમદાવાદ શહેરમાં અને ગાંધીનગરમાં શરૂ કરવામાં આવતા અનેક મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કરોડો મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં સવારી કરી છે તો બીજી તરફ તંત્રને પણ મેટ્રોથી કમાણીમાં લાભ થઈ રહ્યો છે અને કરોડો રૂપિયાની આવક સરકારે પણ મેટ્રો દ્વારા કરી છે.