લૌટારો માર્ટિનેઝના ગોલ વડે આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ફૂટબોલ 2026 સાઉથ અમેરિકન ક્વોલિફાયરમાં પેરુને 1-0થી હરાવીને ક્વોલિફિકેશન તરફ આગેકૂચ જારી રાખી હતી. બીજી તરફ સાલ્વાડોરમાં બ્રાઝિલ અને ઉરુગ્વે વચ્ચે રમાયેલી મેચ 1-1થી ડ્રો રહી હતી. ઉરુગ્વે માટે ફેડરિકો વાલ્વેર્ડેએ પ્રથમ ગોલ કર્યો હતો. તેની સામે ગેરસને બ્રાઝિલ માટે સ્કોર સરભર કર્યો હતો.
આર્જેન્ટિના સાઉથ અમેરિકન ક્વોલિફાયર્સની 12 મેચમાં 25 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઉરુગ્વે તેનાથી પાંચ પોઇન્ટ પાછળ બીજા ક્રમે છે. ઇક્વાડોર અને કોલંબિયાના 19-19 પોઇન્ટ છે. બ્રાઝિલ 18 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. પેરાગ્વે તેનાથી બે પોઇન્ટ પાછળ છે. આ ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી છ ટીમો વર્લ્ડ કપમાં સ્થાન મેળવશે. સાતમા ક્રમાંકે રહેલી બોલિવિયાની ટીમ ઇન્ટરનેશનલ પ્લે ઓફ રમશે. વેનેઝુએલા 12, ચિલી નવ તથા પેરુ સાત પોઇન્ટ સાથે ક્વોલિફાઇંગ રેસમાંથી બહાર થઇ ગઇ છે.
શિયામેન (ચીન) ખાતે રમાયેલી મેચમાં ચીનને 3-1થી હરાવીને જાપાન સતત આઠમી વખત ફૂટબોલ વર્લ્ડ કપમાં સ્થાન હાંસલ કરવાની નજીક પહોંચી ગયું છે. બીજા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાએ એશિયન ક્વોલિફાઇંગમાં બહેરીન સામેની મેચ 2-2થી ડ્રો કરી હતી. જાપાન છ મેચમાં 16 પોઇન્ટ ધરાવે છે અને ગ્રૂપ-સીની ચાર મેચો હજુ બાકી છે. ઓસ્ટ્રેલિયા સાત પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઇન્ડોનેશિયાએ જાકાર્તામાં રમાયેલી મેચમાં માર્શેલિનો ફર્ડિનનના બે ગોલ વડે સાઉદી અરબને 2-0થી હરાવ્યું હતું.