વેમ્બલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સિનિયર ખેલાડી હેરી કેને 69મો ઇન્ટરનેશનલ ગોલ નોંધાવ્યા બાદ બીજા હાફમાં ઉપરાછાપરી ગોલ કરીને ઇંગ્લેન્ડે આયરલેન્ડ સામે 5-0થી વિજય હાંસલ કરીને નેશન્સ લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં યુરોપિયન દેશોમાં ફરીથી ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતું.
ઇંગ્લેન્ડે પોતાના ગ્રૂપમાં ગોલના મોટા માર્જિનથી વિજય હાંસલ કરીને ગ્રીસને બીજા ક્રમે ધકેલી દીધું હતું. ગ્રીસે અન્ય એક મેચમાં ફિનલેન્ડને 2-0ના સ્કોરથી હરાવ્યું હતું. વેમ્બલી ખાતે હેરી કેને 53મી મિનિટે ગોલ કર્યો હતો અને તેણે પેનલ્ટી દ્વારા ગોલ નોંધાવવાનો ઇંગ્લેન્ડ તરફથી રેકોર્ડ નોંધાવ્યો હતો. લિયાન સ્કેલ્સે ગોલ બોક્સમાં જૂડ બેલિંગહામને ખોટી રીતે ટેકલ કરવાના કારણે તેને બીજું યલો કાર્ડ આપવામાં આવ્યું હતું જેના કારણે તેને મેદાન છોડવાની ફરજ પડી હતી. એન્થોની ગોર્ડને 55મી તથા કોનોર ગાલાહરે 58મી મિનિટે ગોલ કર્યા હતા. સબસ્ટિટયૂટ જેરોડ બોવેને 75મી મિનિટે ગોલ કર્યો હતો અને પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા ટેલર હારવૂડ બેલિસે ચાર મિનિટ બાદ હેડરથી ગોલ કરીને ઇંગ્લેન્ડને 5-0થી આગળ કરી દીધું હતું. મેચ દરમિયાન ઇંગ્લેન્ડે આયરલેન્ડના ગોલપોસ્ટ ઉપર 22 શોટ્સ માર્યા હતા જેમાંથી સાત ટાર્ગેટ ઉપર રહ્યા હતા. આયરલેન્ડના 249 બોલ પાસિંગની સામે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ એકબીજાને 677 વખત પાસિંગ કર્યું હતું. અન્ય એક મેચ પહેલાં ગ્રૂપ-2મા ટોચના ક્રમે રહેલી ગ્રીસની ટીમે ફિનલેન્ડ સામે 2-0થી વિજય હાંસલ કર્યો હતો. એનાસ્તેશિયસ બાકાસેતાસે બાવનમી તથા ક્રિસ્ટોસ ઝોલિસે 56મી મિનિટે ગોલ કર્યા હતા. ઓસ્ટ્રિયા અને સ્લોવિનેયાની મેચ 1-1થી ડ્રો રહી હતી. યાર્ડેન સુઆએ 86મી મિનિટે નોંધાવેલા ગોલ વડે ઇઝરાયેલે બેલ્જિયમને 1-0થી પરાજય આપ્યો હતો.