અમદાવાદના વૃદ્ધને સીબીઆઈ, ટ્રાઈ અને સાયબર સેલના અધિકારી તરીકે ડરાવી મુંબઈના ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયાની વાત કરી બોગસ એરેસ્ટ વોરંટ ટોળકીએ મોકલ્યુ હતુ. આ રીતે વૃદ્ધને ડરાવી ચાઈનિઝ ગેંગે 80 લાખ પડાવ્યા હતા.
સાયબર સેલે સુરતમાં રેડ કરી ચાઈનિઝ ગેંગ અને દૂબઈમાં બેઠેલા રોકીના સાગરિત એવા સીએનો અભ્યાસ કરતા રવી સવાણી, સુમીત મોરડીયા સહિત પ્રકાશ ગજેરા, પીયુષ માલવીયા, કલ્પેશ રોજાસરાને ઝડપ્યા છે.પોલીસે 13 લાખની રોક્ડ, 708 સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સીબીઆઈ, ટ્રાઈ અને સાયબર સેલના અધિકારીઓ તરીકે વાત કરી ધરપકડ કરવાની ધમકી આપી લોકોને ડરાવી પૈસા પડાવતી ચાઈનિઝ ગેંગના તાર સુરત સુધી પહોંચ્યા છે. દૂબઈમાં બેઠેલા સુરતના રોકીએ ચાઈનિઝ ગેંગ સાથે હાથ મિલાવીને સાયબર ફ્રોડના રેકેટમાં ભાગીદારી કરી સુરતના યુવકોની મદદ લીધી હતી. સુરતમાં બેઠેલા યુવકો આરોપીઓને બેંક એકાઉન્ટ કીટ અને ડેબીટ કાર્ડ પુરા પાડતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાયબર સેલની ટીમે આરોપીઓની ઓફિસમાંથી 12.75 લાખની રોક્ડ, 708 સીમકાર્ડ, 64 ચેક બૂક, 34 પાસબૂક, 49 ડેબીટ-ક્રેડિટ કાર્ડ, 48 ચેક, 18 મોબાઈલ, હિસાબના ચોપડા 3, દૂબઈના મેટ્રો કાર્ડ-3, બેંક એકાઉન્ટની ત્રણ કીટ, સી.પી.યુ. બે, રાઉટર બે, મોબાઈલ સ્વાઈપ મશીન એક, ઓલ ઈન વન કમ્પ્યુટર 1, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓ બેંક એકાઉન્ટ તેમજ ડેબીટ કાર્ડની આપલે અંદરોઅંદર કરતા તેમજ દૂબઈમાં બેઠેલા રોકીને પહોંચાડતા હતા. આ એકાઉન્ટ અને ડેબીટ કાર્ડ દીઠ રોકી 25 હજાર મોકલતો હતો. જેમાં એકાઉન્ટ હોલ્ડરને 17 હજાર, એકાઉન્ટ હોલ્ડર શોધનારને ત્રણ હજાર અને ડેબિટ કાર્ડ દીઠ 5 હજાર રૂપિયા આરોપી રવિ સવાણી અને સુમીત મોરડીયા લેતા હતા.
સાયબર સેલની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરતા સુરતમાં ચાઈનિઝ ગેંગના તાર ફેલાયેલા હોવાની વિગતો આધારે તપાસ કરી હતી. દરમિયાન સાયબર સેલના અધિકારીઓ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા ટાઈમ શોપર કોમ્પ્લેક્સમાં આવેલી દૂકાન અને રોયલ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલી દૂકાનમાં રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, આ દૂકાનોમાં આરોપીઓ ભેગા મળીને ફ્રોડના નાણાંનો હિસાબ અને બેંક એકાઉન્ટની આપલે કરતા હોય છે. પોલીસ રેડમાં પાંચ આરોપીઓ આ પ્રવૃત્તી કરતા ઝડપાયા હતા.
દુબઈમાં રોકી ચાઈનીઝ ગેંગને બેંક એકાઉન્ટ આપી દેતો હતો
દૂબઈમાં બેઠેલો રોકી ચાઈનીઝ ગેંગને બેંક એકાઉન્ટ આપી દેતો હતો. આ બેંક એકાઉન્ટમાં ચાઈનીઝ ગેંગ ફ્રોડથી મેળવેલી રકમ ભોગ બનનાર પાસે જમા કરાવતી હતી. તે રકમ ટોળકી દૂબઈથી વિડ્રો કરી લેતી હતી.
નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી લેતા
રોકી અને ચાઈનીઝ ગેંગના સભ્યો ભેગા મળીને ફ્રોડમાં મળેલા નાણાંથી ક્રિપ્ટો ખરી લેતા હતા. જેના કારણે એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં પૈસા જમા કરવાના ખેલ બાદ ક્રીપ્ટો અને પછી આરોપી ચાઈનાની ડીજીટલ કરન્સીમાં નાણાં કન્વર્ટ કરતા હતા. વૃદ્ધ દંપતીના ફ્રોડમાં ગયેલા 80 લાખ પાંચ એકાઉન્ટમાં જમા થયાની વિગતો ખુલી હતી. આ એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી બીજા 30 બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હતા.