ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. વળી, શનિવારે પેટાચૂંટણીના પરિણામ પણ સામે આવી ગયાં છે. પેટાચૂંટણીમાં 6 બેઠક પર ભાજપે જીત નોંધાવી છે. આ સિવાય બે બેઠકો પર સપા અને એક બેઠક પર રાલોદે ચૂંટણી જીતી છે. વળી, પેટાચૂંટણીમાં એકપણ બેઠક ન જીત્યા બાદ બસપા પ્રમુખે રવિવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ ચૂંટણીમાં ફેક વોટ પડ્યા હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, જ્યાં સુધી દેશમાં ફેક વોટ પડવાના બંધ નહીં થાય, દેશના ચૂંટણી પંચ દ્વારા કોઈ યોગ્ય પગલું ભરવામાં નહીં આવે, ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં કોઈપણ પેટાચૂંટણી નહીં લડે.
કોઈ પણ પેટાચૂંટણી નહીં લડે બસપા
માયાવતીએ વધુમાં જણાવ્યું કે, ‘મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભામાં થયેલાં સામાન્ય ચૂંટણીમાં પણ તેને લઈને ઘણાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ આપણા દેશ અને લોકતંત્ર માટે જોખમની વાત છે. આવી સ્થિતિમાં હવે અમારી પાર્ટીએ નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી ફેક વોટ બંધ કરાવવા માટે દેશ અને ચૂંટણી પંચ દ્વારા કોઈ કડક પગલાં નહીં લેવામાં આવે, ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં હવે કોઈપણ પેટાચૂંટણી નહીં લડે. અમારી પાર્ટી દેશમાં લોકસભા તેમજ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તથા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પૂરી તૈયારી સાથે લડશે.’
સંભલ ઘટના માટે વહીવટીતંત્ર જવાબદાર: માયાવતી
સંભલમાં પથ્થરમારાની ઘટના પર માયાવતીએ કહ્યું કે આ માટે વહીવટીતંત્ર જવાબદાર છે. સંભલના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા તેમણે કહ્યું કે મુરાદાબાદ ડિવિઝનમાં તણાવ છે. માયાવતીએ ચૂંટણી પંચને ખોટુ મતદાન રોકવા માટે પગલાં ભરવાની માગ કરી હતી.
તેમણે કહ્યું, ‘EVM અને નકલી વોટિંગ લોકશાહી માટે મોટો ખતરો છે. જ્યાં સુધી ચૂંટણી પંચ આ અંગે નિર્ણય નહીં લે ત્યાં સુધી અમારી પાર્ટી BSP ભવિષ્યમાં કોઈ પેટાચૂંટણી લડશે નહીં. બસપા સમર્થકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે બસપા સમર્થકોએ ભ્રમિત ન થવું જોઈએ, એકજૂટ રહેવું જોઈએ અને તેમના વિરોધીઓથી સાવધ રહેવું જોઈએ.
તમને જણાવી દઈએ કે યુપી પેટાચૂંટણીમાં બસપાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. કુંડારકી અને મીરાપુરમાં તેના ઉમેદવારો ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા, જ્યારે કટેહારી અને માઝવાનમાં તેના ઉમેદવારો અનુક્રમે 18.23 અને 17.32 ટકા મત મેળવી શક્યા હતા. પેટાચૂંટણીની ખાસ વાત એ હતી કે માયાવતી પોતે પ્રચાર કરવા મેદાનમાં આવ્યા નથી અને ન તો બસપાનો કોઈ મોટો નેતા પેટાચૂંટણીના પ્રચારમાં જોવા મળ્યો.