ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ન પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી.
5 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ
નકલી રોયલ્ટીને લઈ 5 શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. બનાવને લઈ 2 લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કિરણબેન ગજ્જર, જગદીશભાઈ ચોટારા, ચમનલાલ હડીયા, પ્રદીપ પટેલ અને મુકેશ હડીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. 21/11/2024ના રોજ અંજારના તુણા પોર્ટ રોડ ખનિજ ચોરી અંગે ફ્લાઈંગ સ્કવોર્ડ અને પૂર્વ કચ્છ ખનિજ વિભાગની તપાસમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. 4 વાહનો રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેકટ્રેપ ખનિજ ભરેલ મળી આવેલા હતા.
ટ્રક ચાલક પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બતાવી
જેમાં પ્રદીપ પટેલ નામનો વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પરિવહન કરતો હોવાનું સામે આવ્યું હતું. GJ-12-BX-9730ના ચાલક પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બતાવી હતી. રોયલ્ટી પાસ બનાવટી હોવાનું જણાતા હોવા છતાં ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનું ખોટુ સોગંદનામું રજુ કરી ટ્રક નંબર GJ-12-BX-9730માં કુલ 42.77 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી 3,19,779ની ખનીજ ચોરી કરી ગુનો કર્યો હતો.
રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ
પૂર્વ ખાણ ખનીજએ નાગલપર મોટીમાં સર્વે નંબર 162 પૈકી બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાઓને ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી હતી. ફ્લાઈંગ સ્કવોર્ડ તપાસમાં સ્પેશિયલ સિક્યુરીટી પેપર (SSP)ના 172 કોરા પેપર્સ મિસિંગ મળ્યા હતા. 172 SSP પેપર કોના કબ્જા ભોગવટામાં છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરેલો છે તે બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત આરોપીઓએ જણાવેલી નથી. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ખનીજ નિયમ-2017, માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ-1957 અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.