અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર IRCTCના એજન્ટ તરીકે ઓળખ આપી કન્ફર્મ ટિકિટ આપવાની લાલચ આપી પેસેન્જરો પાસેથી રૂપિયા લઈને ઓનલાઈન નકલી ટિકિટ પધરાવી થતાં કૌભાંડનો રેલ્વે પોલીસે પર્દાફાશ કર્યો છે. નકલીની બોલબાલ વચ્ચે વધુ એક નકલી એજન્ટ આ વખતે પકડાયો છે.
પોલીસે નકલી આરોપી એજન્ટની ધરપકડ કરી
પોલીસે નકલી આરોપી એજન્ટની ધરપકડ કરી સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સે આ રીતે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. આંધ્રપ્રદેશના યુવકને આરોપીએ નકલી ટિકિટ આપીને રૂપિયા 6,000થી લઈ છેતરપિંડી આચરી હતી. મૂળ આંધ્રપ્રદેશનો વતની રંગાજી રામારાવ નાયડુ (ઉ.28)ને આસામના ગુવાહાટી જવાનું હોય ગત તારીખ 7મીના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભો હતો. ત્યારે ત્યાં આવેલા અજાણ્યા ઈસમે કયાંની ટિકિટ કઢાવવાની છે તેવી વાત કરી પોતાની ઓળખ IRCTCના એજન્ટ તરીકે આપી હતી અને પૈસા પડાવ્યા હતા.
યુવકે ટિકિટ કઢાવવાની હા પાડતા આરોપીએ રૂપિયા 200 એડવાન્સ માગ્યા
નકલી એજન્ટ લોકોને કહેતો કે અમારો અલગ ક્વોટા હોવાથી હું તમને કન્ફર્મ ટિકિટ કઢાવી આપીશ. ફરિયાદી યુવકે વેબસાઈટ પર વેઈટીંગ બતાવે છે તેમ કહેતાં આરોપીએ તેના મોબાઈલ ફોનમાં યુવકને પીડીએફ એલીમેન્ટ નામની ફાઈલ ખોલી ટિકિટ બતાવી હતી. ફરિયાદીને વિશ્વાસ આવતા તેણે ટિકિટ કઢાવવાના હા પાડતા આરોપીએ રૂપિયા 200 એડવાન્સ માગ્યા હતા. યુવકે પૈસા આપતા આરોપીએ ટિકિટ બનાવી ફરિયાદીને પીડીએફ ફાઈલ મોકલી તેમજ ક્યુઆર કોડ મોબાઈલમાં મોકલ્યા હતા. ફરિયાદી યુવકે ટિકિટમાં લખેલા પીએનઆર નંબરથી ઓનલાઈન ચેક કરતા ટિકિટ વેઈટીંગમાં બતાવે છે. તેમ જણાવતાં આરોપીએ ચાર્ટ બન્યા પછી ટિકિટ કન્ફર્મ થઈ જશે તેમ કહ્યું હતું.
આખો ભાંડો પોલીસે ફોડી આરોપીને જેલ હવાલે કર્યો
ઉપેન્દ્ર ત્રિવેદી નામનો આરોપી જે લોકો ટિકિટ માટે લાઈનમાં ઉભા હોય તેમને મળતો હતો અને તેમની ટિકિટ કન્ફોર્મ કરી આપશે, તેના બદલામાં તમે એને 200 રુપિયા આપો એમ કહીને પૈસા લેતો હતો અને એક એપ્લિકેશન મારફતે તે લોકોને ડુપ્લીકેટ પીડીએફ આપતો હતો. જેનો આખો ભાંડો પોલીસે ફોડી આરોપીને જેલ હવાલે કર્યો છે .