સુરત શહેરમાં રોગચાળાએ માઝા મુકી છે અને તેના કારણે મોતાના આંકડામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સુરત શહેરમાં રોગ ચાળાથી મૃત્યુ યથાવત જોવા મળી રહ્યા છે. અમરોલીની 1 વર્ષીય બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા છે.
શહેરમાં તાવ, શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો
ત્યારે અલથાણ વિસ્તારમાં ઝાડા ઉલ્ટી બાદ 30 વર્ષીય યુવકનું મોત થયું છે. અમરોલી વિસ્તારની 1 વર્ષય બાળકીનું પણ તાવની ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. શહેરમાં તાવ, શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે.
અમદાવાદમાં ડબલ સીઝનને કારણે રોગચાળો વકર્યો
બીજી તરફ અમદાવાદમાં પણ ડબલ સીઝનને કારણે રોગચાળો વકર્યો છે. નવેમ્બર મહિનામાં રુટિન OPDમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શરદી, ઉધરસના 1200 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે નવેમ્બર મહિનાના બે સપ્તાહમાં ડેન્ગ્યુના 108 કેસ નોંધાયા છે, મેલેરિયાના 72 કેસ, ચિકન ગુનિયાના 22 કેસ નોંધાયા છે. ત્યારે શહેરમાં પાણીજન્ય રોગચાળામાં પણ ઉછાળો આવ્યો છે અને ઝાડા ઉલટીના 146 કેસ, કમળાના 181 કેસ, ટાઈફોઈડના 167 કેસ નોંધાયા છે. પાણીના 2992 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 21 નમૂના ફેઈલ થયા છે.