એકસમયે બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રી ગણાતી ઝિન્નત અમાન વારંવાર પોતાના અનુભવોને ચાહકો સમક્ષ વ્યક્ત કરતી હોય છે. તાજેતરમાં ઝિન્નતે ફિલ્મ હરે રામ હરે કૃષ્ણના સુપ્રસિદ્ધ ગીત દમ મારો દમ સાથે જોડાયેલો એક અનુભવ શેર કર્યો છે.
ઝિન્નતે જણાવ્યું હતું કે આ ગીતના શૂટિંગ દરમિયાન તેમે ખરેખર ચિલમનો નશો કર્યો હતો અને શૂટિંગ બાદ તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલું જ નહીં જ્યારે આ બાબતની જાણ તેની માતાને થઈ હતી ત્યારે તેણીએ બરાબરની ખખડાવી હતી. ઝિન્નત અનુભવને વર્ણવતા કહે છે કે આ ગીતનું શૂટિંગ હિપ્પીઓના ઝુંડ વચ્ચે કાઠમંડુમાં થઈ રહ્યું હતું. દેવઆનંદ સાહેબને આ સીનમાં પરફેક્ટ ઓથોરિટી જોઈતી હતી. આ ફિલ્મમાં મારી ભૂમિકા ખૂબ નશો કરતી જેસિકાની હતી, હું પણ આ ગીતમાં નશેડી દેખાવા માટે દરેક ટેક વખતે એક પર એક ચલમ પી રહી હતી. જ્યાં સુધીમાં ગીતનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં તો હું જાણે હવામાં ઉડતી હોઉં તેવો અહેસાસ કરવા લાગી હતી. હોટેલ સુધી પહોંચવાની મારી સ્થિતિ ન હતી. તેથી ટીમના કેટલાક મેમ્બર્સ મને એક કારમાં બેસાડીને ઠંડા પહાડ પર આવેલી ખૂબસૂરત જગા પર લઈ ગયા. ધીરેધીરે પવનમાં મારો નશો ઊતર્યો હતો. મને પાછળથી જાણકારી મળી હતી કે મારી માતાને આ ઘટનાની જાણ થઈ ગઈ છે અને તે ખૂબ જ ગુસ્સે થઈ હતી.