હાલમાં આસામમાં લોકો હાથીના આતંકથી ખુબ જ પરેશાન છે. લોકોનું કહેવું છે કે હાથીઓ પાકની સાથે ઘરોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આસામના ઘણા જિલ્લાઓમાં હાથીઓ અને માણસો વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ લઈ રહ્યો નથી.
ખોરાકની શોધમાં નીકળે છે ગજરાજ
જંગલોમાંથી બહાર નીકળીને ખોરાકની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં ઘૂસેલા હાથીઓ હવે લોકોના પાક અને ઘરોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ગુસ્સે ભરાયેલા ગજરાજ આસામના ઘણા જિલ્લામાં આતંક મચાવી રહ્યો છે. છેલ્લા 3થી 4 વર્ષ આસામના ગોલાઘાટ, હોજાઈ, પશ્ચિમ કાર્બી, આંગલોંગ વગેરે જિલ્લાઓમાં હાથીઓ સૌથી વધુ વિનાશ સર્જી રહ્યા છે.
70થી 80 હાથીના ટોળાથી લોકો પરેશાન
આસામના હોજાઈ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાઓમાં જંગલી હાથીઓ ડઝનેક ગામડાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. પશ્ચિમ કાર્બી આંગલોંગના હોજાઈના શેરડીના ખેતરોમાં દરરોજ ઓછામાં ઓછા 70થી 80 હાથીનું ટોળું લોકોને પરેશાન કરી રહ્યું છે. હાથીઓ નજીકના જંગલોમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારો તરફ ખોરાકની શોધમાં આવે છે અને માત્ર પાકને જ નાશ નથી કરતા પણ ખેડૂતોના ઘરોને પણ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે.
ખેડૂતોના પાકનો પહોંચાડે છે મોટું નુકસાન
હાથી ગ્રામીણ વિસ્તારોમાં ખોરાકની શોધમાં આવે છે, પરંતુ કેટલીકવાર તેમને નુકસાન પણ થાય છે. પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં હજારો જંગલી હાથીઓએ લાખો હેક્ટર શેરડીના પાકમાં વિનાશ વેર્યો હતો અને ખેડૂતોનો તમામ પાક નાશ પામ્યો હતો. એટલું જ નહીં હાથીઓએ ખેડૂતોના ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું છે.
હાથીઓને ભગાડવા માટે JCBનો ઉપયોગ થતો હતો
વન વિભાગના અધિકારીઓ હાથીઓને જંગલોમાં પાછા મોકલવા માટે ફટાકડા ફોડી રહ્યા છે અને હવામાં ફાયરિંગ પણ કરી રહ્યા છે. હાથીઓના સતત આગમન અને વધતા જતા હાથી-માનવ અથડામણના કારણે વિદ્યાર્થીઓને ઘણા દિવસોથી શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો મસાલ સળગાવીને અને JCBનો ઉપયોગ કરીને આ હાથીઓને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હાથીઓ આ વિસ્તારો છોડી રહ્યા નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હાથીઓ દરરોજ આવે છે અને રાત-દિવસ આવી રહ્યા છે, જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે.