– સવારે 7 થી સાંજે 6 કલાક સુધી મતદાન યોજાશે, પોલીંગ સ્ટાફ અને પોલીસ ફોર્સે મોરચો સંભાળ્યો
– ભાવનગર અને બોટાદ જિલ્લામાં 156 બેઠકના નવા પ્રજાસેવકનું ભાવિ ઈવીએમમાં કેદ થશે, નગરપાલિકાઓમાં 2.8 લાખથી વધુ મતદાતા, ચાર તાલુકા પંચાયતની 6 બેઠકમાં 37,754, મનપાની એક બેઠકમાં 43,024 અને બોટાદ જિલ્લા પંચાયતની એક બેઠકમાં 16,961 મતદાતાનો મતાધિકાર : બળવો કરી ચૂંટણી લડતા ઉમેદવારો બાજી બગાડી શકે, આપ અને અપક્ષ ઉપર પણ નજર
ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે રવિવારે મતદાન સાથે ૧૫૬ બેઠકના નવા પ્રજાસેવકનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. મનપા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણીમાં ત્રણ લાખથી વધુ મતદારો પાસે મતાધિકાર હોય, કયાં પક્ષને સત્તા ઉપર લાવવો, કયાં ઉમેદવારને વોર્ડ-બેઠકનું પ્રતિનિધિત્વ સોંપવું ? તેનો દારોમદાર અકળ મતદાતા ઉપર રહેશે.