આગામી સોમવારના રોજ મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ તંત્ર દ્વારા વિલંબમાં મુકવામાં આવેલી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટેનો માર્ગ મોકળો બન્યો હતો.
કારણ કે માત્ર 21 દિવસમાં જ દૂધસાગરની ચૂંટણી યોજવા માટે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો. સમી તાલુકાની મેમણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ દૂધસાગરના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવા જિલ્લા સહકારી રજિસ્ટ્રારમાં રજૂઆત કરી હતી. પરંતુ, દબાણવશ ચૂંટણી ટલ્લે ચઢાવવામાં આવતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે, તા. 7મી ઓકટોબરને સોમવારના રોજ પ્રાન્ત અધિકારી આર. આર. જાદવના અધ્યક્ષ પદે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે અને દૂધસાગર ડેરીમાં સત્તાનાં સૂત્રો બદલાશે? મતદાન થશે કે કેમ ? કે ભારતીય જનતા પક્ષ દ્વારા મેન્ડેટ આપી આ બંનેની સર્વાનુમતે નિયુકિત કરાશે કે કેમ તે સોમવારે નિશ્ચિત થઈ જશે. હાલમાં દૂધસાગરના ચેરમેન પદે અશોક ચૌધરી છે. સોમવારે દૂધસાગરમાં તેમનો સત્તાકાળ પૂર્ણ થઈ જશે. હવે, મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો વહીવટ કોણ સંભાળશે તે આગામી સોમવારે નક્કી થઈ જશે. જો કે, તેમના માટે સવા વર્ષનો જ સમય બચ્યો છે.
નેતૃત્વ બદલવા માટે વરિષ્ઠોની બેઠક, ભાજપ પ્રમુખને રજૂઆત
દૂધસાગરના ચેરમેન અશોક ચૌધરીએ પોતાના સમર્થક 4-5 ડિરેકટરને કેમ્પમાં મોકલી દીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. બીજી બાજુ પક્ષના જ કેટલાક વરિષ્ઠ અગ્રણીઓએ જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરને રૂબરૂ મળી વર્તમાન ચેરમેન સામે અસંતોષ વ્યકત કરી નેતૃત્વ બદલવા માટે પણ રજૂઆત કરી હતી. દગાવાડીયાના વતની અને શૈક્ષણિક સંસ્થાઓમાં કરોડો રૂપિયાનું દાન કરનાર દૂધસાગરના ડિરેકટર કનુભાઈ ચૌધરી માટે ડિરેકટર્સ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ લાગણી વ્યકત કરી ચૂકયા છે.