સુરતના વેસુમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગુજારે છે અને ભોગ બનનાર વૃદ્ધ ઈલેક્ટ્રિક મોટરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ 30 વર્ષથી શેરમાર્કેટનું પણ કામકાજ કરતા હતા. આ દરમિયાન ગત 24મી સપ્ટેમ્બરના રોજ બપોરના સુમારે અજાણ્યા નંબર પરથી વૃદ્ધ પર કોલ આવ્યો હતો. કોલ કરનારે TRAI વિભાગમાંથી બોલતા હોવાનું કહી તમારા આધારકાર્ડ પર સિમકાર્ડ એક્ટિવ થયું છે.
તમારા વિરુદ્ધ અંધેરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે એવું કહી ડરાવ્યા
તમારા બેન્ક એકાઉન્ટમાં મોટાપાયે વ્યવહારો થયા છે, નરેશ ગોયેલના મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસના નાણાં તમારા ખાતામાં ટ્રાન્સફર થયા છે, તપાસમાં સહકાર નહીં આપો તો આજીવન કેદની સજા થશે. આ એક ગુપ્ત તપાસ છે, અન્ય કોઈને જાણ કરશો તો તેઓને પણ ગુનામાં સામેલ કરવામાં આવશે, તમારા વિરુદ્ધ અંધેરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે એવું કહી ડરાવ્યા હતા. આ કોલ કટ કરી દીધા બાદ વોટ્સએપ કોલ કર્યો હતો. કોલરે મુંબઈના અંધેરી પોલીસ મથકના પીએસઆઈ પ્રદીપ સાવંત તરીકે ઓળખ આપી આઈકાર્ડ અને TRAIનો લેટર પણ મોકલી આપ્યો હતો. ભેજાબાજો ઈન્ડિયન નેશનલ સિક્રેટ એક્ટના મોકલેલા ડોક્યુમેન્ટ્સમાં નરેશ ગોયેલના મની લોન્ડરિંગ કેસની પ્રેસનોટ મોકલી વીડિયો કોલ કર્યો હતો. જે કોલમાં કોલરનો ચહેરો દેખાતો ન હતો.
વૃદ્ધને કોર્ટમાં ફંડ જમા કરવાનું કહ્યું
આ રીતે બાનમાં લઈ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના નામવાળો આર.બી.આઇ.નો અન્ય એક લેટર મોકલી આપ્યો હતો. જેમાં ભોગ બનનાર વિરુદ્ધ 17 ફરિયાદો દાખલ થઈ છે અને સુપ્રીમ કોર્ટના 2 વોરંટ ઈશ્યૂ થયા છે, કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ સંપત્તિ અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી જેલમાં ધકેલવાની પણ ધમકી સાથેનું લખાણ હતું, ત્યારબાદ એવું ઓપ્શન અપાયું કે, તમે નિર્દોષ હોવ તો તમામ ફંડ કોર્ટમાં જમા કરવું પડશે અને જેની તપાસ 6થી 24 કલાકમાં પૂર્ણ થશે એવી પણ વાત કરી હતી. સાયબર માફિયાઓએ આ રીતે બાનમાં લઈ દર 2 કલાકે વોટ્સએપ પર રિપોર્ટિંગ કરવા, સવારે ગૂડ મોર્નિંગ અને સાંજે ગૂડ નાઈટનો મેસેજ કરવા દબાણ કર્યુ હતું.
ઠગબાજોએ કુલ રૂપિયા 1.71 કરોડ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા
ઠગબાજોએ બેંક બેલેન્સ, ડીમેટ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ-શેર માર્કેટના ફંડ વિશે માહિતી મેળવી 1.90 કરોડના ફંડ અંગે જાણકારી મેળવી લીધી હતી. આ રીતે વારાફરતી દરરોજ ભોગ બનનાર વૃદ્ધ વીડિયો કોલ કરી ચાલુ કોલે અલગ-અલગ બેંકોમાં મોકલી નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ વૃદ્ધને બે ખાતામાંથી 3 બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 1.71 કરોડ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ભેજાબાજોએ નાણાં મળી ગયા હોવાની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના સીબીઆઈ ઈન્સ્પેક્શન ડિપા.ની બોગસ રસીદો પણ મોકલી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીની ધરપકડ કરી
સાયબર ક્રિમિનલ્સે વૃદ્ધને બેલેન્સ અંગે પૂછતા બે બેંકમાં અંદાજિત 32 લાખ જમા હોવાનું જણાવ્યું હતું. જેમાંથી તેઓએ 28 લાખ ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. તે જ સમયે યૂ-ટ્યુબ પર ડિજિટલ એરેસ્ટનો વીડિયો જોતા પોતે પણ ઠગાયા હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ કરી દીધી હતી. જોકે, ઠગબાજોના સંપર્કમાં રહેવા 3 દિવસ સુધી સંપર્ક ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ 7 ઓક્ટોબરના રોજ ફંડ ટ્રાન્સફર કરવાનો છેલ્લો દિવસ હોવાનું કહી દમદાટી આપી હતી. બીજી તરફ વૃદ્ધે ડિજિટલ એરેસ્ટથી સાવચેત રહેવા મામલે ન્યૂઝ પેપરનું કટિંગ મોકલી આપ્યું હતું. જોકે, ભેજાબાજોએ અમે જ આ છપાવ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. વૃદ્ધે વીડિયો કોલ કરનાર કોલરનો ફોટો પણ મોકલી આપ્યો હતો. આ મામલે તેમણે ફરિયાદ આપતા સાયબર ક્રાઈમે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીને પકડવાનો ધમધમાટ શરૂ કર્યો છે.