બે પાન કાર્ડમાંથી એક રદ કરાવવાના બદલામાં લાંચ માંગી હતી
એસીબીએ દ્વારકાની ઈન્કમટેક્સ કચેરીમાં જ ટ્રેપ ગોઠવી હતી, આરોપીએ શરૂઆતમાં પેનલ્ટી પેટે રૂા.૧૦ હજારની માંગ કરી હતી
રાજકોટ: દ્વારકાના ઈન્કમટેક્ષ ઈન્સ્પેકટર સુનિલ અરવિંદકુમાર મીનાને આજે એસીબીએ રૂા.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ કાર્યવાહી કરી છે. બે પાન કાર્ડમાંથી એક રદ કરાવવાના બદલામાં લાંચની માગણી કરી હતી. જેના પગલે ફરિયાદ મળતા એસીબીએ દ્વારકા ઈન્કમટેક્ષ કચેરી ખાતે જ ટ્રેપ ગોઠવી હતી.
એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ પાન કાર્ડ કઢાવ્યું હતું. જે ખોવાઈ જતાં ઓનલાઈન બીજુ પાન કાર્ડ કઢાવ્યું હતું. ત્યાર પછી ખોવાઈ ગયેલું પાન કાર્ડ મળી જતાં બે પાન કાર્ડ થઈ ગયા હતા. જેથી નવું પાન કાર્ડ રદ કરાવવા દ્વારકા ખાતેની ઈન્કમટેક્ષ કચેરી ખાતે ઈન્કમટેક્ષ ઈન્સ્પેકટર સુનિલ મીનાનો સંપર્ક કર્યો હતો.
જેણે દમદાટી આપતાં કહ્યું કે તમને બે પાન કાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઈ શકે તેમ છે, જેની સામે ફરિયાદીએ પોતાને આ પ્રકારની કોઈ નોટીસ નહીં મળ્યાનુુ, પોતે સામેથી બીજુ પાન કાર્ડ રદ કરાવવા આવ્યાનું કહ્યું હતું. આમ છતાં મીનાએ રૂા.૧૦ હજારની પેનલ્ટી ભરવી પડશે તેમ કહ્યું હતું. જો પેનલ્ટી ન ભરવી હોય તો રૂા.૩ હજારની લાંચ માંગી હતી.
પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબી રાજકોટ એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો. જેના આધારે દેવભૂમિ દ્વારકાના એસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર. એન. વિરાણીએ દ્વારકાની ઈન્કમટેક્ષ કચેરી ખાતે ટ્રેપ ગોઠવી હતી.
જયાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ ઈન્સ્પેકટર મીના રૂા.૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીએ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી નિયમ મુજબ આગળની કાર્યવાહી જારી રાખી છે. ઈન્સ્પેકટર મીના કલાસ-૩ના કર્મચારી છે.