પરદેશમાં એક યંગ કપલ શોપિંગ મોલમાં ખરીદી કરી રહ્યું હતું. એમનું ટાબરિયું
મોલમાં પોતાની રીતે ફરતું હતું. પપ્પા કે મમ્મીમાંથી કોઈનો ફોન તેના હાથમાં હતો.
મોલમાં કોઈ ગેમ રમવા માટે પેમેન્ટ કરવું જરૂરી હતું. છોકરાએ મમ્મી-પપ્પાની જેમ
ફોનને પેમેન્ટ મશીન પર ધર્યો. પેમન્ટ થઈ ગયું. મજા પડતાં છોકરાએ જુદાં ગેમ મશીન પર
ફોન બતાવ્યો. પપ્પાનું ધ્યાન ગયું ત્યાં સુધીમાં ખાસ્સાં પેેમેન્ટ થઈ ગયાં!
આવું શક્ય બન્યું કોન્ટેક્ટલેસ પેમેન્ટથી. આપણે ટીવી જાહેરાતોમાં કોન્ટેક્ટલેસ
ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જોઈએ છીએ. આપણા ફોનમાંની કેટલીક પેમેન્ટ એપમાં પણ આ જ
રીતે પેમેન્ટ શક્ય છે. જે ફોનમાં નીયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) તરીકે જાણીતું
ફીચર હોય તે પેમેન્ટ એપ ઓપન કર્યા વિના
ફટાફટ પેમેન્ટ કરી શકે છે.
તકલીફ એ છે કે પેલા છોકરાની જેમ, આપણે બદલે અન્ય કોઈ વ્યક્તિના
હાથમાં આપણો અનલોક્ડ ફોન હોય તો તે એનએફસીથી ગમે ત્યાં પેમેન્ટ પેમેન્ટ કરી શકે
છે.
આથી જો તમારા ફોનમાં એનએફસી ફીચર હોય તો તેને લોક્ડ રાખવું હિતાવહ છે. એ માટે
ફોનના સેટિંગ્સમાં કનેક્ટેડ ડિવાઇસિસમાં જાઓ. તેમાં કનેકશન રેફરન્સિસમાં એનએફસીમાં
જાઓ. અહીં રિકવાયર્ડ ડિવાઇસ અનલોક ફોર
એનએફસી ઓન કરી દો.
તમારું બેંક કાર્ડ પણ કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકતું હોય તો બેંકની એપમાં જઈ, તેને ઓન-ઓફ કરી શકો છો, તેમ જ કોન્ટેક્ટલેસ પેમેન્ટની
લિમિટ સેટ કરી શકો છો.
હવે તમે એનએફસી બાબતે નિશ્ચિંત રહી શકશો. હા, અગવડ ફક્ત એટલી હશે કે તમે પોતે જ્યારે એનએફસીથી પેમેન્ટ કરવા માગતા હશો
ત્યારે તમારે દરેક વખતે સ્ક્રીન અનલોક કરવો પડશે.