PM Mudra Yojana Loan Limit: કેન્દ્ર સરકારે એમએસએમઈ માટે દિવાળી ભેટ આપતી એક જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મળતી લોનની મર્યાદા વધારી બમણી અર્થાત રૂ. 20 લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી એમએસએમઈને વેગ મળશે અને રોજગારીની તકો પણ વધશે.
નાના વેપારીઓને થશે લાભ
નાણા મંત્રાલય અનુસાર, આ પગલાંથી એમએસએમઈને બિઝનેસ સ્થાપિત કરવા અને વિસ્તરિત કરવાની તકો મળશે. જેનાથી રોજગારની નવી તકો સર્જાશે અને દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.
કોણ આ લાભ લઈ શકશે?
જે લોકો પોતાનો નવો બિઝનેસ શરુ કરવા માગે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. તદુપરાંત એમએસએમઈ પોતાના બિઝનેસના વિસ્તરણ માટે પણ મુદ્રા યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ હેઠળ નીચા વ્યાજદરે ઝડપી અને સરળતાથી લોન પ્રદાન થાય છે. જેમાં કોઈ ગેરેંટરની જરૂર પડતી નથી.
આ પણ વાંચોઃ શેરબજારમાં આ સપ્તાહે રોકાણકારોના 21 લાખ કરોડ ડૂબ્યા, કડાકા પાછળ આ પાંચ કારણો જવાબદાર
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની તરુણ કેટેગરી અંતર્ગત એમએસએમઈ રૂ. 20 લાખ સુધીની લોન લેવા સક્ષમ ગણાશે. ક્રેડિટ ગેરેંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ હેઠળ રૂ. 20 લાખની લોન પર કેન્દ્ર સરકાર પોતે ગેરેંટી કવરેજ આપે છે.
શું છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ, 2015ના રોજ એમએસએમઈને રૂ. 10 લાખ સુધીની કોલેટરલ ફ્રી માઇક્રો ક્રેડિટ પ્રદાન કરવાના હેતુ સાથે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરુ કરવામાં આવી હતી. જેમાં પસંદ કરાયેલી બૅન્કો, એનબીએફસી, અને માઇક્રો ફાઇનાન્સ યુનિટ્સ ત્રણ કેટેગરી શિશુ (રૂ. 50000), કિશોર (રૂ. 50000થી 5 લાખ) અને તરુણ (રૂ. 10 લાખ) લોન ગેરંટી-કોલેટરલ વિના ફાળવે છે. તરુણ કેટેગરીની મર્યાદા વધારી રૂ. 20 લાખ કરવામાં આવી છે.