Diljit Dosanjh Concert In Gandhinagar: પોપ સિંગર દિલજીત દોસાંજના રવિવારે (17મી નવેમ્બર) ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનારા લાઈવ કોન્સર્ટના પાસ બ્લેકમાં 20 હજાર રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે. દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટની ટિકિટોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા બ્લેક માર્કેટિંગના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દેશભરમાં દરોડા પાડીને 10 જેટલા શકમંદોની અટકાયત કરી છે. બીજી તરફ દિલજીત દોસાંજના ચાહકો ટિકિટ લેવા પડાપડી કરી રહ્યાં છે તેનો લાભ લેવા નકલી ટિકિટો પણ બજારમાં ફરતી થઈ હોવાની માહિતી ઈડીનાં સૂત્રોએ આપી છે.
દિલજીત દોસાંજના કોન્સર્ટના પાસના કાળા બજાર
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યોજનારા દિલજીત દોસાંજના શોમાં સિલ્વર અને ગોલ્ડ પાસ દ્વારા એન્ટ્રી અપાશે. આ બંને પ્રકારના પાસનું વેચાણ બુકમાય શો વેબસાઈટ અને ઓનલાઈન ઝોમેટો મારફતે થઈ રહ્યું છે. આ પૈકી સિલ્વર પાસની કિંમત 3000 રૂપિયા અને ગોલ્ડ પાસની કિંમત 5000 રૂપિયા છે. પરંતુ 3000 રૂપિયાની ટિકિટના 15 હજાર રૂપિયા અને 5000 રૂપિયાની ટિકિટ 20,000 રૂપિયામાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગ્રૂપમાં વેચાણ થઈ રહ્યું છે. ઈડીનાં સૂત્રોનું કહેવું છે કે, આ પૈકી ઘણી ટિકિટો સાવ ફેક છે. દિલજીત દોસાંજની લોકપ્રિયતાનો લાભ લેવા માટે ધૂતારા ફેક ટિકિટો લોકોને વહેંચી રહ્યા છે.
ઈડીએ કુલ 13 સ્થળોએ દરોડા પાડ્યા
દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટમાં ટિકિટોના કાળા બજારના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ દેશમાં કુલ 13 સ્થળોએ દરોડા પાડીને મોબાઈલ લેપટોપ સીમકાર્ડ જપ્ત કર્યા હતા. આ અંગેની તપાસ દિલ્હી મુંબઈ જયપુર બેંગ્લોર અને ચંડીગઢમાં હજુ ચાલી રહી છે. આ તપાસમાં સેન્ટ્રલ એજન્સીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ અને જીએસટી વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે, પરંતુ અધિકારીઓ આ મુદ્દે ચૂપ છે. આ ટિકિટોનું વેચાણ સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી સાથેના ટેક્સ સાથે કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ સ્વીકારે છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં કાળા બજારમાં ટિકિટો ખરીદનારની સંખ્યા વધારે છે પણ વધારે માહિતી નથી આપી રહ્યા.
આ પણ વાંચો: ડ્રાઈવરને ઝોકું આવતા સુરત હાઇવે પર અકસ્માત, ભાવનગરના પરિવારના 3ના મોત
અધિકારીઓનું કહેવું છે કે, દિલજીત દોસાંજના બધા શોમાં આ રીતે ટિકિટોના કાળા બજાર થાય છે. રવિવારે ગિફ્ટ સિટીમાં યોજનનાર કોન્સર્ટની પછી 26/ 27મીના રોજ જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાવવાનો છે. તે પહેલાં 15મી નવેમ્બરે હૈદરાબાદમાં કોન્સર્ટ છે. ત્યારબાદ 22મી નવેમ્બરે લખનઉ અને 24મી નવેમ્બરે પુના ખાતે પણ કોન્સર્ટ યોજાવવાનો છે. અગાઉ જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કોન્સર્ટ યોજાયો હતો. તે દરમિયાન પણ ટિકિટના કાળા બજાર થયા હતા.