ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધંધૂકા તાલુકાના આકરું ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા તૈયાર કરાયેલા વિરાસત સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું અને સભામાં હાજરી આપી કલા અને સંસ્કૃતિનું જતન કરી સંગ્રહિત કરવા બદલ જોરાવરસિંહને અભિનંદન આપ્યા હતા.
ધંધૂકાની આરએમએસ હોસ્પિટલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અહીં હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશીભાઈ પટેલને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ મેઘાણી સ્મૃતિ ભવનની શુભેચ્છા મુલાકાત લઈ આ શોર્ય ભૂમિના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. વિહળીધામ ખાતે 246 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. સભાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે ધંધૂકા વિસ્તારમાં એક હજાર કરોડના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વધારે વિકાસ સાથે વિસ્તારની કાયા પલટ થવાની છે. ધંધૂકા એપીએમસી ખાતે ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓએ હવાઈ માર્ગે આવેલા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રોડ માર્ગે મુખ્યમંત્રીનો કાફ્લો આકરું ગામે વિરાસત સંગ્રહાલય પહોંચી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિતના અતિથિઓ તથા સ્વામિનારાયણ સંતો અને માધવાનંદ આશ્રામના જગદીશાનંદ સ્વામી સહિત સંતો અને સામાજિક આગેવાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં યોજાયેલ સભામાં મુખ્યમંત્રીએ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી આ અદભુત સંગ્રહાલય માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. સમારોહમાં દિગજ્જ રાજકીય આગેવાનો, કલાકારો અને અનેક સામાજિક આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધંધૂકા શોર્યભૂમિ મેઘાણી સ્મૃતિ ભવન ખાતે પહોંચી આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ વિહળી ધામ જાહેર સભા ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભા વિસ્તારના ભાજપના અગ્રણીઓએ સ્વાગત કર્યા હતા કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના દિગજ્જ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધિત કરતા જણાવ્યું કે આ વિસ્તાર આગામી દિવસોમાં વિકાસની હરણફળ ભરવાનો છે. વિસ્તારમાં એક હજાર કરોડના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. ધંધૂકા ખાતે નવી ડીવાયએસપી કચેરી, રેલવે ઓવરબ્રિજ, 100 બેડની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ સહિતના અનેક પ્રકલ્પો શરૂ થઈ ગયા છે અને અમૂકના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી સાથે કોણ કોણ પ્રવાસમાં જોડાયું
મુખ્યમંત્રી સાથે આજના પ્રવાસમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત પંડયા, જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, સાંસદ ચંદુભાઈ શિહોરા, હર્ષદગીરી ગોસાઈ, જિલ્લા કલેકટર, એસપી, એએસપી, ડીડીઓ સહિત અનેક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.