Demolition in Vadodara: વડોદરામાં આજે (29મી સપ્ટેમ્બર) ઔદ્યોગિક સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.આ કાર્યક્રમ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો હતો. જોકે, સીએમ ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની અને પોલીસની ટીમો મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન સયાજી હોસ્પિટલની બહારના મુખ્ય રસ્તા પર સાફ સફાઈ કરવા માટે પહોંચી ગઈ હતી.
વડોદરા શહેર દબાણ મુક્ત હોવાનો દેખાડો કરવા માટે દબાણ શાખાની ટીમ તેમજ પોલીસે રસ્તા પર રોજની જેમ પાર્ક થતી એમ્બ્યુલન્સો અને લારી ગલ્લા હટાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન નશાની હાલતમાં એક નબીરાઓએ આખો વિસ્તાર માથે લીધો હતો. આ વ્યક્તિએ પહેલા તો પોતાનો સામાન નહીં હટાવવા માટે દબાણ શાખા અને પોલીસની ટીમ સમક્ષ આજીજી કરી હતી. તેણે જમીન પર પોતાન માથા પછાડ્યા હતા અને કેબલ વડે બાજુના વૃક્ષ પર ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ અને દબાણ શાખાના કર્મચારીઓ બાજુમાં જ ઊભા હોવાથી આ વ્યક્તિના હાથમાંથી કેબલ છીનવીને કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તોફાન મચાવનાર આ વ્યક્તિને અવગણીને દબાણ શાખાની ટીમ ત્યાંથી નીકળી ગઈ હતી.