દિન પ્રતિદિન લઘુત્તમ તાપમાનનો પારો નીચે આવી રહ્યો છે અને ઠંડીની મોસમ જામી છે. શરદી અને ખાંસીની બીમારી સામે રક્ષણ મેળવવા માટે આદુ અને ગરમ વસાણાંની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત, રોગ પ્રતિકારક લીલી હળદળ અને વટાણાના શાકની વપરાશમાં પણ વધારો થયો છે. સફેદ તલ અને કાળા તલનાં કચેરીયાંની જાહેર માર્ગો ઉપર ઠેર-ઠેર હાટડીઓ મંડાઈ છે. સૂંઠ સહિતના ગરમ મસાલાથી તૈયાર કરાયેલાં કચરીયાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હોંશે હોંશે લોકો આરોગી રહ્યાં છે. કાળા તલનાં કચેરીયાંને ઉત્તમ માનવામાં આવે છે.
મહેસાણા બજારનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર 1 કિલો આદુનો ભાવ રૂ.80ની આસપાસ બોલાય છે. જયારે લીલી હળદળનો ભાવ પ્રતિ કિલોએ રૂ.80નો બોલાય છે. માંગમાં વધારો થયો હોવા છતાં પણ લીલી હળદર અને આદુના ભાવ સ્થિર રહ્યા છે. કાળા તલના કચરિયા કરતાં સફેદ તલના કચરીયાના ભાવ પ્રમાણમાં નીચા છે. સફેદ તલનાં કચરીયાં કિલો દીઠ રૂ.180ના ભાવથી વેચાય છે. જયારે કાળા તલનાં કચરીયું ઊંચા ભાવે વેચાય છે. આ ઉપરાંત ગાજર કિલો દિઠ રૂ.60ના ભાવથી વેચાય છે. આ વર્ષે લીલી હળદળ, આદુ અને કચેરિયાંના ભાવ મધ્યમ વર્ગનાં રસોડાંમાં પોસાય તેવા રહ્યા છે.