શહેરોમાં બેરોજગારીનો દર ઘટીને 6.4% જ રહ્યો છે. લગભગ છ વર્ષમાં આ સૌથી નીચો આંક છે. આ આંકડા જુલાઇથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળાના આંકડા છે. શ્રામ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે હવે મહિલાઓ પણ વધારે સંખ્યામાં કામ પર જઇ રહી છે. બેરોજગારીનો દર ઘટયો છે. દરેકે દરેક વર્ગની આવકમાં વધારો થયો છે.
આ આંકડા કેન્દ્રની મોદી સરકારને જરૂર રાહત આપશે. આ ગાળા દરમિયાન, પુરુષ અને મહિલાની બેરોજગારીની વાત કરીએ તો તે ઘટીને અનુક્રમે 5.7% અને 8.4% હતી. નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી રોજગારના મુદ્દા પર કેન્દ્ર સરકાર સતત વિપક્ષના નિશાન પર રહી છે. આ આંકડા એટલા માટે પણ મહત્વપુર્ણ છે કે જુલાઇથી સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે કંપનીઓ નવી ભરતી કરે છે. બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનીસે જણાવ્યું હતું કે કંપનીઓ તરફથી નવા લોકોને કામ પર રાખવાના કારણે બેરોજગારીના દરમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે પીએમઆઈના આંકડા પણ માંગમાં વધારા તરફ સંકેત આપે છે.
આ અવધી દરમિયાન પીએમઆઈ પણ 50ની ઉપર જળવાઇ રહ્યો છે કે જે ભરતીમાં ગ્રોથ તરફ ઇશારો કરે છે. આ દરમિયાન લેબર ફોર્સ પાર્ટિસિપન્ટ રેટ(LPFR) 50.4% ના પોતાના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયો છે.
LPFRના મોરચે ક્યું રાજ્ય આગળ છે?
દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 13માં દેશની સરેરાશથી વધુ LPFR નોંધાયો હતો. તેમાં હિમાચલ પ્રદેશ 61.8% સાતે સૌથી આગળ હતું. તેના પછી ગુજરાત(53.9%), પશ્ચિમ બંગાળ(53.8%), તેલંગાણા(53.5%), આસામ (53.2%) અને મહારાષ્ટ્ર(52.8%) નું સ્થાન હતું. બીજી તરફ યુવા બેરોજગારીનો દર 15.9 ટકા હતો જેમાં પુરુષોમાં 14.2 ટકા અને મહિલાઓમાં 21 ટકા હતો.