સંસદનાં શિયાળુ સત્રનાં 14 મા દિવસે લોકસભામાં બંધારણ પર ચર્ચા હાથ ધરાઈ હતી જેમાં બંધારણને 75 વર્ષ પૂરા થવા પ્રસંગે ચર્ચા હાથ ધરાઈ હતી. કેન્દ્રનાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચર્ચાની શરૂઆત કરીને 1.10 મિનિટ ભાષણ કર્યું હતું જેમાં બંધારણનું મહત્ત્વ અને તેની ગરિમા જાળવવાનો મુદ્દો ચર્ચ્યો હતો.
રાજનાથસિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ચાબખાં માર્યા હતા તેમણે કહ્યું કે કેટલાક લોકો બંધારણને ખિસ્સામાં રાખીને ફરે છે. તેમનાં માટે બંધારણનું કોઈ મહત્વ નથી. ભાજપ માટે અને અમારા માટે બંધારણ એક પવિત્ર દસ્તાવેજ છે. તેનું ઝૂકીને સન્માન કરવું જોઈએ. કોંગ્રેસનાં નેતાઓ માટે તે એક પ્રત છે. આ લોકો બાળપણથી જ આ બધું જોતા આવ્યા છે એમ કહીને તેમણે રાહુલ ગાંધી તરફ ઇશારો કર્યો હતો. જેડીયુ સાંસદ રાજીવ રંજન ઉર્ફે લલનસિંહે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે બંધારણનાં ભક્ષક ક્યારેય રક્ષક બની શકે નહીં. કોંગ્રેસે લાંબો સમય દેશમાં રાજ કર્યું પણ તેમણે અનેક વખત બંધારણનાં ધજાગરા ઉડાડયા.
અમે બંધારણની પવિત્રતાનો ભંગ નહીં થવા દઈએ
રાજનાથસિંહે એક તબક્કે શાહબાનો કેસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અમે બંધારણની પવિત્રતાનો ભંગ નહીં થવા દઈએ. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ મહિલા પણ ગુજારા ભથ્થાને હકદાર છે પણ તુષ્ટિકરણને કારણે કોંગ્રેસે આ જજમેન્ટ પલટી નાંખ્યું હતું. વિપક્ષી નેતા રાહુલ ગાંધી જ્યારે મહોબ્બતની દુકાનની વાત કરે છે ત્યારે અમને હસવું આવે છે. ઈન્દિરા ગાંધીએ 50 વખત ચૂંટાયેલી સરકારને બદલી નાંખી હતી. તેમને બંધારણના નામે સત્તા આંતકી લેવાની તક મળી હતી. સત્તા અને સંવિધાન વચ્ચે કોંગ્રેસે હંમેશા સત્તાને જ પસંદ કરી છે.